- ઈરાનના વિદેશ મંત્રી ઈસ્લામાબાદમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે
- પાકિસ્તારના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની સાથે મુલાકાતે
- ઈરાન સરહદ પર હુમલાખોરે 9ની હત્યા બાદ પાકિસ્તાન મુલાકાત
ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દોલ્લાહિયાન પાકિસ્તાન પહોંચ્યાં છે. ઈરાન અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વચ્ચે વિદેશ મંત્રી ઈસ્લામાબાદ પહોંચ્યા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન જલીલ અબ્બાસ જિલાનીના આમંત્રણ પર ઈસ્લામાબાદ પહોંચેલા હુસૈન અમીરનું નૂર ખાન એર બેઝ પર અફઘાનિસ્તાન અને પશ્ચિમ એશિયા માટે પાકિસ્તાનના અધિક વિદેશ સચિવ રહીમ હયાત કુરેશીએ સ્વાગત કર્યું હતું.
સંબંધોને પાટા પર લાવવા માટે વાત કરશે
તેમની મુલાકાત દરમિયાન અબ્દુલ્લાહિયન પાકિસ્તાનના વિદેશ પ્રધાન જિલાની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને પાકિસ્તાનના વડાપ્રધાન અનવર ઉલ-હક-કક્કરને પણ મળશે. અબ્દુલ્લાહિયાન પોતાના પાકિસ્તાની સમકક્ષ જિલાની સાથે સંબંધોને પાટા પર લાવવા માટે વાત કરશે. તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન અનવર ઉલ હક કક્કર સાથે લોનના મુદ્દા પર ચર્ચા કરશે. વધુમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીના આમંત્રણ પર ઈરાનના વિદેશ મંત્રી ઈસ્લામાબાદ પહોંચ્યા છે. મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી અબ્દુલ્લાહિયાન વિદેશ મંત્રી જિલાની સાથે ઉંડાણપૂર્વક વાતચીત કરશે અને વડાપ્રધાનને પણ મળશે.
નવ લોકોની ગોળી મારીને હત્યા
પાકિસ્તાન અને ઈરાન દ્વારા એકબીજા પર હવાઈ હુમલાના થોડા દિવસો બાદ, શનિવારે, પાકિસ્તાનને અડીને આવેલા ઈરાનના દક્ષિણ-પૂર્વ સરહદ વિસ્તારમાં એક અજાણ્યા હુમલાખોરે 9 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂતે આ ઘટનાની પુષ્ટિ કરી છે. તે જ સમયે, ઈરાની મીડિયાનું કહેવું છે કે, પોલીસ ત્રણ બંદૂકધારીઓની શોધ કરી રહી છે જેઓ ગોળીબાર બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
ઈરાને હવાઈ હુમલો કર્યો
પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો તંગ ચાલી રહ્યા છે. 16 જાન્યુઆરીના રોજ, તેહરાને દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકવાદી લક્ષ્યો પર મિસાઈલ હુમલા કર્યા અને કહ્યું કે લક્ષ્યો જૈશ અલ-અદલ નામના સંગઠનના ઠેકાણાઓ છે જેના આતંકવાદીઓ પાકિસ્તાનની ધરતી પરથી ઈરાનમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપતાં હતાં.
પાકિસ્તાને પણ હુમલો કર્યો
18 જાન્યુઆરીએ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી અને ઈરાનની અંદર હુમલો કર્યો. ત્યાર બાદ એક નિવેદનમાં પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે, મર્ગ બર સરમાચર નામનું ઓપરેશન ચલાવીને તેણે આતંકવાદી સંગઠનો બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF)ને નિશાન બનાવ્યાં અને આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટી સીમા પાર ઘૂસણખોરી હતી અને 7 ઓક્ટોબરે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાં પછી મધ્ય પૂર્વમાં વ્યાપક અસ્થિરતા અંગે ચિંતા વધી છે. તાજેતરમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, ઈરાન પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને આતંકવાદ વિરુદ્ધ અભિયાનમાં સહયોગ કરવા સંમત છે. પાકિસ્તાની મંત્રીએ તેમના ઈરાની સમકક્ષ અબ્દુલ્લાહિયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને બંને દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પર ભાર મૂક્યો હતો.


