- માલદીવના નવા શાસક પણ ચીનની જેમ અવળચંડાઈ કરી રહ્યા છે
- ચીન પાસેથી આર્થિક મદદ લઈને હવે તુર્કિયે પાસેથી મિલિટરી ડ્રોન ખરીદવા માટે સમજૂતી
- હવે ભારતના સ્થાને તુર્કિયે સાથે સંયુક્તરીતે મિલિટરી કવાયત હાથ ધરશે
ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ઘણા દિવસથી તણાવભર્યા બન્યા છે. ચીન સમર્થિત રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝઝૂ જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી ભારત સાથેના સંબંધો ખાટા થયા છે. બંને દેશના આવા સંબંધો વચ્ચે માલદીવ સરકારે એક મોટું પગલું ભર્યું છે. તેણે પોતાના વિશેષ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ માટે ડ્રોન ખરીદવા માટે તુર્કિયે સાથે એક કરાર કર્યો છે. અત્યાર સુધી માલદીવ અને ભારત હિંદ મહાસાગરમાં આ ક્ષેત્રમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરતા હતા.
માલદીવના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલેએ તુર્કિયેની કંપની સાથે મિલિટરી ડ્રોન્સ ખરીદવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તેના દ્વારા માલદીવ પોતાના સમુદ્ર વિસ્તારમાં દેખરેખ રાખશે. આ માટે માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સને 37 મિલિયન ડોલર્સની રકમનું બજેટ પણ ફાળવી દીધું છે. જ્યારે આ ડીલ થઈ તેના બે દિવસ પહેલાં જ માલદીવે ભારતને પોતાના સૈનિકો 15 માર્ચ સુધીમાં પાછા બોલાવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝઝૂ ચીનના નિકટના મિત્ર ગણાય છે.
ચૂંટણી દરમિયાન તેમણે ભારત વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો ભારતના સૈનિકોએ માલદીવ છોડવું પડશે. જીત્યા બાદ મોઇઝઝૂએ 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
ચીન સાથે પણ સમજૂતીઓ કરી છે
ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવ્યા દરમિયાન મુઇઝઝૂએ ચીનનો પ્રવાસ કર્યો હતો. તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન મુઇઝઝૂએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત લીધી હતી અને ટૂરિઝમ સહિત ઘણી મહત્ત્વની સમજૂતીઓ કરી હતી. ચીનના પ્રવાસ દરમિયાન માલદીવે ચીન પાસેથી લોન પણ લીધી છે.


