અમીન માર્ગ પર જ્વેલર્સ સંચાલક સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી
સેલ્સમેન બની આવેલો શખ્સ, 856 ગ્રામથી વધુ સોનું અને લાખો રૂપિયા લઈ ગાયબ; માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં જ્વેલરી વ્યવસાય સાથે જોડાયેલી મોટી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના અમીન માર્ગ પર આવેલી એવિક્સ જ્વેલર્સ પ્રા. લી. નામની પેઢીના સંચાલક સાથે તેમના જ સેલ્સમેન દ્વારા વિશ્વાસઘાત કરી રૂ.1.29 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપી સેલ્સમેનએ સંચાલકનો વિશ્વાસ જીત્યા બાદ ગ્રાહકોને સોનું વેચી વધુ નફો કરાવી આપવાની લાલચ આપી કુલ 856.600 ગ્રામ સોનું તેમજ રોકડ રકમ મળી કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ છે.
આ મામલે શહેરના કોટેચાનગર-8 વિસ્તારમાં રહેતા અને અમીન માર્ગ પર આવેલી એવિક્સ જ્વેલર્સ પ્રા.લી.ના સંચાલક ભરતકુમાર ભગવાનજીભાઈ પાલા (ઉ.વ.55)એ માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે કુંભારવાડા વિસ્તારમાં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા નિખિલ દિનેશભાઈ કાત્રોડિયાને આરોપી તરીકે નામજોગ કર્યો છે. પોલીસએ ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2024 દરમિયાન એવિક્સ જ્વેલર્સે શહેરની જ એક જ્વેલરી પેઢી સાથે વ્યાપારિક કરાર કર્યો હતો. આ કરારના ભાગરૂપે તે પેઢી તરફથી નિખિલ કાત્રોડિયાને સેલ્સમેન તરીકે કામ કરવા મોકલવામાં આવ્યો હતો. શરૂઆતમાં નિખિલે ખૂબ જ પ્રામાણિક રીતે કામ કર્યું હતું અને લગભગ 11 મહિના સુધી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ વગર વ્યવહાર સંભાળ્યો હતો. તેના કારણે પેઢીના સંચાલક ભરતભાઈએ તેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, વિશ્વાસ જીત્યા બાદ નિખિલે ધીમે ધીમે પોતાની ચાલ ચલવાની શરૂઆત કરી હતી. તેણે સંચાલકને જણાવ્યું હતું કે તેની પોતાની “આદિત્ય ઓર્નામેન્ટ્સ” નામની પેઢી છે અને જો એવિક્સ જ્વેલર્સ તરફથી સોનાના દાગીના ગ્રાહકોને વેચવા માટે આપવામાં આવે તો તે વધુ નફો કમાવી આપી શકે છે. તેણે 1 ટકા કમિશન પર સોનું વેચી વધુ આવક કરાવવાની ઓફર મૂકી હતી.
આ પ્રસ્તાવ પર વિશ્વાસ રાખીને સંચાલકે શરૂઆતમાં નિખિલને થોડા પ્રમાણમાં સોનાના દાગીના આપ્યા હતા. ઓગસ્ટથી નવેમ્બર 2025 દરમિયાન નિખિલે અનેક વખત સોનું લઈ જઈ તેનું વળતર સમયસર ચૂકવી દીધું હતું. આ રીતે સમયસર નાણાં પરત આપીને તેણે પેઢીના સંચાલકનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો હતો. પરંતુ ત્યારબાદ ડિસેમ્બર 2025 દરમિયાન નિખિલે પોતાની મૂળ યોજના અમલમાં મૂકી હતી. પ્રથમ તબક્કામાં તેણે 246.191 ગ્રામ સોનું લઈ ગયા હતા, જેની કિંમત અંદાજે રૂ.28.18 લાખ જેટલી હતી. આ સોનાની રકમ તેણે ચૂકવી નહોતી. ત્યારબાદ તેણે અલગ અલગ બહાનાઓ આપી વધુ સોનાના દાગીના માંગ્યા હતા. ફરિયાદ મુજબ, ડિસેમ્બર મહિનામાં જ નિખિલે અલગ અલગ 9 જેટલા વાઉચરોના આધારે ગ્રાહકોને વેચવાના બહાને મોટી માત્રામાં સોનાના દાગીના લઈ ગયો હતો. આ રીતે અંદાજે 719 ગ્રામથી વધુ શુદ્ધ સોનું તે લઈ ગયો હતો.
આ સમગ્ર વ્યવહારમાં આરોપીએ કુલ 856.600 ગ્રામ સોનું લઈ લીધું હોવાનું બહાર આવ્યું છે. આ સોનાની કિંમત અંદાજે રૂ.1,00,73,616 જેટલી થાય છે. ઉપરાંત ડાયમંડ અને હોલમાર્ક ચાર્જ તરીકે રૂ.75,829 જેટલી રકમ પણ બાકી રહી હતી. આ સિવાય અગાઉ લીધેલા રૂ.28.18 લાખ પણ પરત ન મળતાં કુલ મળીને રૂ.1,29,67,827 જેટલી મોટી રકમની છેતરપિંડી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરતકુમાર પાલાના જણાવ્યા અનુસાર, નિખિલ પાસે વારંવાર ઉઘરાણી કરવા છતાં તે માત્ર વાયદાઓ આપતો રહ્યો હતો. શરૂઆતમાં તે ટૂંક સમયમાં સોનું અથવા નાણાં પરત આપવાની ખાતરી આપતો હતો, પરંતુ સમય જતા તેણે સંપર્ક ટાળવાનું શરૂ કર્યું હતું. જ્યારે લાંબા સમય સુધી સોનું કે રૂપિયા પરત ન મળતા સંચાલકને છેતરપિંડીની શંકા મજબૂત થઈ હતી. અંતે તેમણે સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ કેસમાં વેપાર સંબંધિત દસ્તાવેજો, વાઉચરો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તપાસ અધિકારીઓનું કહેવું છે કે આરોપીએ વિશ્વાસઘાત કરીને આર્થિક છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. હવે આરોપીની શોધખોળ તેમજ નાણાં અને સોનાની વસૂલી માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બનાવ સામે આવતા રાજકોટના જ્વેલરી વ્યવસાયિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. વ્યવસાયિકોનું કહેવું છે કે વેપાર ક્ષેત્રમાં વિશ્વાસના આધારે મોટા વ્યવહારો થતા હોય છે, પરંતુ આવી ઘટનાઓથી વિશ્વાસ પર અસર પડે છે.
પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


