કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની આગામી 17-18 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવશે. ભારતની મુલાકાતે આવી રહેલા કતારના અમીર શેખ અલ થાની આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે, આ સાથે જ તેઓ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે પણ બેઠક કરશે.
ભારત માટે કતાર કેમ મહત્વનું છે?
તમને જણાવી દઈ કે કતારના અમીર સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે, જેમાં અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી પ્રતિનિધિમંડળનો સમાવેશ થાય છે. શેખ તમીમ બિન હમાદ અલ થાનીનું 18 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. કતાર ભારતનો સૌથી મોટો LNG સપ્લાયર છે. નાણાકીય વર્ષ 2022-23માં કતાર સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર લગભગ 18.77 બિલિયન યુએસ ડોલર હતો. કતારના ઉર્જા મંત્રી સાદ શેરીદા અલ-કાબીએ આ મહિનાની શરૂઆતમાં ભારત ઉર્જા સપ્તાહ માટે ભારતની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, અલ-કાબીએ ભારતની ઉર્જા જરૂરિયાતોને ટેકો આપવા માટે કતારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.
કતારમાં 8,00,000 ભારતીય નાગરિકો
બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો છે. કતારમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ રહે છે. કતારમાં લગભગ 8,00,000 ભારતીય નાગરિકો છે, જેઓ તબીબી, એન્જિનિયરિંગ, શિક્ષણ, નાણાં અને શ્રમ જેવા વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યા છે. ભારત અને કતાર વચ્ચેના સંબંધોને વધારવાના ઉદ્દેશ્યથી વિદેશ મંત્રી એસ. જયશંકર 1 વર્ષમાં ચાર વખત કતારની મુલાકાતે ગયા છે. તે ગયા મહિને પણ કતાર ગયા હતા.
ફેબ્રુઆરી 2024માં શેખ અલ થાનીએ વડાપ્રધાન મોદી સાથે કરી હતી મુલાકાત
આ સમયગાળા દરમિયાન તેમણે અનેક દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો અને કતારના અમીર શેખ તમીમ હમાદ અલ થાનીની ભારત મુલાકાતની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અગાઉ, ગયા વર્ષે ફેબ્રુઆરી 2024માં તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ અલ થાનીને મળ્યા હતા અને તેમને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.


