– એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૩ના સમયગાળામાં રશિયામાંથી આયાત લગભગ બે તૃતીયાંશ વધીને ૩૦.૪ બિલિયન ડોલર થઈ
Updated: Oct 19th, 2023
નવી દિલ્હી : ભારતના ટોચના ૧૦ આયાત ભાગીદારોમાં માત્ર રશિયા અને હોંગકોંગે જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આયાતમાં વૃદ્ધિ નોંધાવી છે. આ ખાસ કરીને એવા સમયે દેખાય છે જ્યારે નબળી માંગ અને કોમોડિટીના ભાવમાં ઘટાડાને કારણે દેશની કુલ આયાતમાં ૧૨.૨ ટકાનો ઘટાડો થયો છે.
વાણિજ્ય વિભાગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૩ના સમયગાળામાં રશિયામાંથી આયાત લગભગ બે તૃતીયાંશ વધીને ૩૦.૪ બિલિયન ડોલર થઈ છે.
આ સાથે રશિયા ચીન પછી ભારતનો બીજો સૌથી મોટો આયાત ભાગીદાર બની ગયો છે. જોકે સપ્ટેમ્બર સુધીમાં વ્યક્તિગત દેશો માટેના વેપાર ડેટા ઉપલબ્ધ ન હતા, પ્રથમ પાંચ મહિનાના વલણો સતત વૃદ્ધિ સૂચવે છે. આ મુખ્યત્વે કાચા તેલની આયાતને કારણે જોવા મળે છે. જ્યાં સુધી હોંગકોંગનો સવાલ છે, આયાતમાં વધારો ૨.૬ ટકા એટલે કે કુલ ૧૦.૨ બિલિયન ડોલર હતો. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ઈલેક્ટ્રિકલ મશીનરીની આયાતને કારણે વૃદ્ધિ મુખ્યત્વે જોવા મળી હતી.
ભારતના ટોચના ૧૦ આયાત ભાગીદારોમાં આયાત સંકોચન નીચે મુજબ હતું : ચીનના કિસ્સામાં -૩.૭૧ ટકા, યુએસના કિસ્સામાં -૧૭.૦૬ ટકા, યુએઈના કિસ્સામાં -૨૫.૫૧ ટકા, ઇરાકના કિસ્સામાં -૩૧.૨૬ ટકા, ઇન્ડોનેશિયાના કિસ્સામાં -૩૩.૪૩ ટકા, સિંગાપોરના કિસ્સામાં -૬.૫૧ ટકા અને દક્ષિણ કોરિયાના કિસ્સામાં -૮.૦૩ ટકા. ભારતની કુલ વેપારી આયાતમાં આ દેશોનો ફાળો ૫૯ ટકાથી વધુ છે. કુલ આયાતમાં સતત નવમા મહિને ઘટાડો જોવા મળ્યો છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સંકોચન નબળા સ્થાનિક માંગ અને વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઘટાડાને કારણે હતું.
અર્થશાસ્ત્રીના મત અનુસાર, સોના સિવાયની આયાત, સ્થાનિક માંગ સૂચવે છે, તે નબળી છે. ગયા વર્ષે નોંધાયેલા ૩૫.૭ ટકાની વૃદ્ધિની સરખામણીમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે.