અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વડીયાથી મોરવાડા જવાના માર્ગ પર આજે એક આકસ્મિક ઘટના બની હતી, જેમાં ચાલુ બાઈક વચ્ચે અચાનક શ્વાન આવી ચડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, વડીયામાં બસ સ્ટેન્ડ પાસે પાનનો ગલ્લો ધરાવતા અને વ્યવસાયે ખેડૂત એવા સ્થાનિક નાગરિક પોતાના કામ અર્થે વડીયા-મોરવાડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક શ્વાન દોડીને બાઈકની વચ્ચે આવી ગયું હતું. પૂરઝડપે જતી બાઈક પરથી કાબુ ગુમાવતા ચાલક રોડ પર પટકાયા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ચાલકને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં માર્ગ પર જ બેભાન થઈ ગયા હતા.
ખેડૂતો અને રાહદારીઓની સમયસૂચકતા
અકસ્માત થતા જ આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને રસ્તા પરથી પસાર થતા અન્ય રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર 108 એમ્બ્યુલન્સ સેવાને ટેલિફોનિક જાણ કરી હતી. જાણ થતા જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપી ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે વડીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિકોમાં ચિંતા
ઈજાગ્રસ્ત વ્યક્તિ વડીયાના જાણીતા પાન ગલ્લાના માલિક હોવાથી ગામમાં અને વેપારી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને ડૉક્ટર્સ દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે. રસ્તા પર રખડતા ઢોર અને પ્રાણીઓના કારણે સર્જાતા આવા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – Surat News: SIRની કામગીરી અંગે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સ, આપી વિગતો


