- બે-બે સિનિયર સિટિઝન્સ, મહિલા, પુરુષો અને એક જનપ્રતિનિધિનો સમાવેશ
- કમિટી લોકોની ફરિયાદો સાંભળી ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવશે
- ગાર્ડનમાં સાફસફાઇ રાખવામાં આવતી નહીં હોવાની રુટિન ફરિયાદો
શહેરના મ્યુનિ.સંચાલિત 293 ગાર્ડનો વધારે સારી રીતે મેન્ટેઇન થાય અને સુખ-સુવિધા વધે તે માટે ગાર્ડન એડવાઇઝર કમિટીની રચના કરવામાં આવી છે. ગુરુવારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં કમિટની રચના કરવાની દરખાસ્તને મંજૂરી અપાઇ છે. આ કમિટીમાં બે સિનિયર સિટીઝન, બે મહિલા, બે પુરુષ અને એક જનપ્રતિનિધિ હશે. આ કમિટીની પ્રતિમાસ ગાર્ડનમાં મિટીંગ મળશે અને લોકોની ફરિયાદો સાંભળી ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત ગાર્ડનોમાંથી ઘણા ગાર્ડનોમાં પ્રાથમિક સુવિધાઓના ઠેકાણા નથી. પાયાની સગવડો જેવી કે બાથરુમ, સફાઇ, પીવાના પાણી સહિત અન્ય કેટલીક અસુવિધાઓ છે. કેટલાકમાં રમતગમતના અને કસરતના સાધનો તુટી ગયા છે. જેના મેન્ટેઇનન્સની જવાબદારી કોઇને સોંપાઇ નહીં હોવાથી સાધનોની સ્થિતીમાં લાંબા સમય સુધી કોઇ સુધારો જ નથી. કોર્પોરેશનના 293 ગાર્ડનોમાં રહેલા ખાનગી સ્ટોર દ્વારા ગાર્ડનમાં સાફસફાઇ રાખવામાં આવતી નહીં હોવાની ફરિયાદો રુટિન છે. આ ફરિયાદોનું પણ નિરાકરણ લાવવામાં આવતું નથી. જેના લીધે હવે ગાર્ડનમાં આવતા સ્થાનિકો રસ લેતા નથી. પરંતુ હવે કમિટી સમક્ષ ફરિયાદ કરશે તો તેનું ઝડપથી નિરાકરણ આવી શકશે.


