- ખેરવા PHC હેઠળના 14 ગામને સેવા મળશે
- ડ્રાઈવરના હસ્તે લોકાર્પણ કરીને અનોખો રાહ ચીંધ્યો
- ખેરવા ગામે પીએચસીમાં એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરાયુ
દસાડા તાલુકાના ખેરવા ગામના પીએચસીમાં સાંસદની ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયુ હતુ. સાંસદે એમ્બ્યુલન્સના ડ્રાઈવરના હસ્તે લોકાર્પણ કરીને અનોખો રાહ ચીંધ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાની ગ્રાંટમાંથી રૂ. 13.50 લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. અગાઉ વઢવાણના રામપરા અને ચોટીલા તાલુકાના આણંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયુ હતુ. ત્યારે હવે દસાડા તાલુકાના ખેરવા ગામે પીએચસીમાં એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરાયુ છે. આ તકે સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ લત્તાબેન પટેલ, નરેન્દ્રભાઈ મુંજપરા, ઈન્ચાર્જ મામલતદાર ધવલ પુરોહીત, ટીડીઓ જે.જે.ચૌધરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એમ્બ્યુલન્સના લોકાર્પણથી આસપાસના 14 ગામોના લોકોને સુવીધા મળશે અને તેઓની આરોગ્યની સુવીધામાં વધારો થશે. આ એમ્બ્યુલન્સ મળવાથી દર્દીને ઈમરજન્સીના સમયે ઝડપથી હોસ્પીટલ પહોંચાડી સારવાર કરાવી શકાશે. સાંસદે એમ્બ્યુલન્સનુ લોકાર્પણ ખેરવા પીએચસીના ડ્રાઈવર અશરફખાનના હસ્તે કરાવીને નવો ચીલો ચાતર્યો હતો. અત્યાર સુધીમાં સંસદીય વિસ્તારમાં 35 એમ્બ્યુલન્સ અને 3 વૈકુંઠ રથ આપવામાં આવ્યા છે.


