- મણિપુરના ચંદેલ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે બર્બર ઘટના નોંધાઇ
- ઘટનાને મણિપુરમાં હાલમાં ચાલી રહેલ જાતીય સંઘર્ષ સાથે જોડવી જોઇએ નહીં : પોલીસ
- સાથીઓ સાથે ચર્ચા ઉગ્ર બનતાં ગોળીબાર કર્યો
હિંસાગ્રસ્ત મણિપુરમાં ડયૂટી પર તૈનાત 15 આસામ રાઇફલ્સના એક જવાને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં પહેલાં પોતાના સાથીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો જેમાં બે સાથી જવાનોના મોત થયાં હતાં અને અન્ય પાંચ ઘવાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તમામની સ્થિતિ સ્થિર બતાવવામાં આવે છે. આ ઘટના મણિપુરના ચંદેલ જિલ્લામાં સાજીક તમ્પાક વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે નોંધાઇ હતી. પોલીસે બુધવારે માહિતી આપી હતી જો કે આસામ રાઇફલ્સ દ્વારા હજુ સુધી બે જવાનોના મોતની પુષ્ટિ આપવામાં આવી નથી. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને મણિપુરમાં હાલમાં ચાલી રહેલ જાતીય સંઘર્ષ સાથે જોડવી જોઇએ નહીં. અહેવાલો અનુસાર મંગળવારે મોડી રાત્રે મણિપુરમાં આવેલી રાના ટોપ પોસ્ટ પર તૈનાત 15 આસામ રાઇફલ્સના જવાન હવાલદાર સાંગપી બાઇટે અનેક ગોળીબાર કર્યા હતા. અહેવાલો અનુસાર ઘાયલ જવાનોની ચુંરાચાંદપુરની સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહેવાલો અનુસાર આ ઘટના એઆર બટાલિયનના સંકુલમાં નોંધાઇ હતી.
સાથીઓ સાથે ચર્ચા ઉગ્ર બનતાં ગોળીબાર કર્યો
અહેવાલો અનુસાર હવાલદારે પોતાના સાથીઓ પર ગોળી છોડી તે પહેલાં બધા વચ્ચે કોઇ મુદ્દે વાદવિવાદ થયો હતો અને વાતાવરણ ઉગ્ર થઇ ગયું હતું. આ દરમિયાન તેણે પોતાના સાથીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું અને અનેક જવાનોને ઘાયલ કર્યા હતાં. જો કે તે પછી તેને ખોટું કર્યાનું ભાન થઇ ગયું હતું અને ગોળી પોતાની જાત પર જ છોડીને આત્મહત્યા કરી લીધી હતી તેમ પોલીસે જણાવ્યું હતું. જો કે હજુ સુધી આસામ રાઇફલ્સે આંકડાને સમર્થન આપ્યું નથી.


