- પાર્વતીજીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા કેવડાત્રીજના દિવસે વ્રત વિધિ-વિધાનથી કરીને અને ઉપવાસ કરીને સદાશિવની પૂજન-વિધિ કરી હતી. આથી તેઓ શંકર જેવા સ્વામીને પામ્યાં હતાં
કેવડાત્રીજ એટલે કે હરતાલિકા વ્રત, હરિતા નામની સખી ઉપરથી વ્રતનું નામાભિધાન થયું છે. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે. આ વ્રત પરિણીત સ્ત્રી અને કુમારિકા બંને માટે છે.
પરિણીત સ્ત્રી અખંડ સૌભાગ્યની વૃદ્ધિ માટે અને ઉમા-મહેશ્વરની પ્રસન્નતા અર્થે આ વ્રત કરે છે. અખંડ સૌભાગ્ય અને પતિ તરફથી ઉત્તમ સુખ તથા રિદ્ધિ-સિદ્ધ એ પ્રત્યેક નારીની અભિલાષા હોય છે. કુમારિકા પોતાને યોગ્ય પતિ મળે તે માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે.
પાર્વતીજીએ પણ વિશ્વેશ્વર મહાદેવને પોતાના પતિ તરીકે પામવા, કેવડાત્રીજના દિવસે વ્રત વિધિ-વિધાનથી કરીને અને ઉપવાસ કરીને સદાશિવની પૂજન-વિધિ કરી હતી. આથી તેઓ શંકર જેવા સ્વામીને પામ્યા હતાં.
આ દિવસે પરિણીત સ્ત્રી કે કુમારિકાએ પ્રાત:કાળે ઊઠી તલ અને આમળાંના ચૂર્ણથી સ્નાન કરવું અને રેશમી વસ્ત્ર પરિધાન કરી શિવજીના મંદિરે જઈ કેવડાનાં પુષ્પ શિવલિંગ પર ચડાવીને, વિવિધ મંત્રો દ્વારા એમની અંગપૂજા કરવી, તેમજ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે પ્રેમપૂર્વક અર્પણ કરવાં. પ્રદક્ષિણા કરી પુષ્પાંજલિ અર્પવી. પરિણીત સ્ત્રીએ નિર્મળ મનથી, પવિત્ર ભાવથી શિવવંદના કરી, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય અને રિદ્ધિ-સિદ્ધિ સાંપડે એવી પ્રાર્થના કરવી. આ દિવસે ફળાહાર કરવો. જો શક્ય હોય તો નકોરડો ઉપવાસ કરવો. બ્રહ્મચર્યનું પાલન કરવું અને શિવજીના ધ્યાનમાં આખો દિવસ વ્યતીત કરવો.
શિવજીને એક દિવસ પાર્વતીજીએ પૂછ્યું, `પ્રભુ! કાળબળની સામે ટકી રહેનાર એવું કયું વ્રત છે કે જેનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય?’
શિવજી કહે છે, `દેવી! એ હરતાલિકા વ્રત છે. એનું વિધિવિધાન આ પ્રમાણે છે.
અખંડ સૌભાગ્ય ઈચ્છતી પરિણીત સ્ત્રીએ ભાદરવા સુદ ત્રીજના રોજ આ વ્રત કરાય. તમે તે વ્રત મને પામવા માટે કેવી રીતે કરેલું તે યાદ છે ને? તમે 12 વર્ષ શીર્ષાસન કર્યું હતું, 64 વર્ષ સુધી માત્ર પાનનો જ આહાર કર્યો હતો. શિયાળામાં પણ ઠંડા પાણીએ સ્નાન કર્યું હતું. ઉનાળામાં અસહ્ય તાપ વેઠી અન્ન જળનો ત્યાગ કર્યો હતો. તમે આવી ઉગ્ર તપશ્ચર્યા કરી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ તમારું માગું નાખ્યું હતું.’
`આપણા બંનેનાં લગ્ન થયાં એ કોના પ્રતાપે? તમે જાણો છો? તમારી પ્રિય સખી હરિતાના પ્રતાપે, એટલે જ આ વ્રતનું નામ `હરતાલિકા’ છે. કેવડાત્રીજ એટલે કેવડાનું માહાત્મ્ય. દર ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા સાથે શિવ-પાર્વતીજીનું પૂજન કરવું અને મંદિરમાં કેવડો મૂક્વો. સૌભાગ્ય-શૃંગારની ચીજવસ્તુઓનું બ્રાહ્મણોને દાન આપવું. હે દેવી! તમે આ વ્રતના ફળસ્વરૂપે મને પતિ તરીકે પામ્યાં હતાં. આ વ્રત ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીને તેમજ કુમારિકાને મંગલ અને સુખદાયી જીવનનું સૌભાગ્ય મારી કૃપાથી સાંપડે છે અને મનોકામના પૂર્ણ થાય છે. શિવભક્તિમાં જેટલું ઉત્તમ બળ હશે,તેટલું જ તેનું ઉત્તમ ફળ મળે છે.’
કેવડાને પિનાકપાણિનો શાપ
એક એવી કિંવદંતિ છે કે આ સુગંધિત કેવડા-પુષ્પે એક વિવાદાસ્પદ ઘટના ઘટી હતી ત્યારે અસત્ય બોલીને સાક્ષી આપી હતી, આથી શિવજીએ ક્રોધાવેશમાં કેવડા પુષ્પને શાપ આપ્યો કે, `હે કેવડા પુષ્પ! તું અતિ સુગંધિત હોવા છતાં હવે પછી તને કોઈ પણ દેવપૂજામાં સ્થાન નહીં મળે. પૂજારીઓ કે પ્રજાજનો તને પૂજામાં નહીં ચડાવે અને કોઈ ભૂલથી કેવડા પુષ્પ ચડાવશે તો તારાથી થયેલી પૂજાનો પણ કોઈ દેવી કે દેવ સ્વીકાર નહીં કરે.’
શિવજીના શાપનો ભોગ બનેલ કેવડો તે દિવસથી ત્યાજ્ય બન્યો, વર્જ્ય બન્યો. કહેવાય છે કે, ભાદરવા સુદ ત્રીજના દિવસે પાર્વતીજીએ ભૂલથી ભગવાન શંકરને કેવડાનું પુષ્પ ચડાવી ભક્તિભાવપૂર્વક તેમનું અર્ચન-પૂજન કર્યું.
તે દિવસે શિવજીએ કહ્યું કે, `ભાદરવા સુદ ત્રીજાના દિવસે જે કોઈ મારી કેવડા પુષ્પ ચડાવી પૂજા કરશે તેનો આ એક જ દિવસ પૂરતો સ્વીકાર કરશે. આ પ્રકારે વર્જ્ય સુગંધિત કેવડા પુષ્પને વર્ષમાં આ એક દિવસ ભગવાન સદાશિવની પૂજામાં સૌભાગ્ય પ્રાપ્ત થયું અને કેવડા પુષ્પનું જીવન સાર્થક થયું. આમ, ભાદરવા સુદ ત્રીજના રોજ શિવજીને કેવડા પુષ્ય પ્રેમપૂર્વક ભાવિક ભક્તો ધરાવે છે.