- 4 વર્ષના જોડિયા બાળકોને પણ રહેંસી નાખવામાં આવ્યા
- મૃતક પરિવાર ભારતના કેરલનો મૂળનો હતો
- પીલીસને મોત પાછળ હત્યા અને આત્મહત્યાની શંકાઓ
અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના એક આખા પરિવારની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ પરિવારમાં પતિ-પત્ની સિવાય બે જોડિયા બાળકો પણ હતા. આ પરિવાર કેરળનો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આત્મહત્યા અને હત્યાની આશંકા છે. ચાર મૃતકોમાં 42 વર્ષીય આનંદ સુજીત હેનરી, તેની 40 વર્ષીય પત્ની એલિસ પ્રિયંકા અને 4 વર્ષના જોડિયા બાળકો નુહ અને નાથનનો સમાવેશ થાય છે.
પરિવારના એક સગાએ અનેકવાર ફોન કરીને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ન ઉપાડતાં તેમણે પોલીસને જાણ કરી હતી, જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઈન્ડો-અમેરિકન કપલની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. બંનેની લાશો લોહીથી લથપથ હતા અને બંનેને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જો કે, જોડિયા બાળકોના મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યા હતા અને તેમના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
પોલીસે કહ્યું, “જ્યારે અધિકારીઓના ઘરે પહોંચવા છતાં કોઈએ કોઈએ દરવાજો ન ખોલ્યો, ત્યારે તેઓએ ઘરની આસપાસ જોયું. બળજબરીથી પ્રવેશવાના કોઈ પુરાવા મળ્યા ન હતા. જો કે, એક બારી ખુલ્લી હતી, જ્યાંથી પોલીસ પ્રવેશી હતી તો જોયું કે અંદર ચાર મૃતદેહો પડ્યા હતા. આ મૃતદેહો એક મહિલા, એક પુરુષ અને બે બાળકોના હતા.”
બાથરૂમમાંથી 9 mmની પિસ્તોલ અને લોડેડ મેગેઝિન પણ મળી આવ્યું હતું. જેના કારણે આપઘાત થયાની આશંકા છે. દંપતીએ આ ઘર 2020માં યુએસ 2.1 મિલિયન ડોલર એટલે કે લગભગ 17 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે દંપતીએ પહેલા બાળકોની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી લીધી હશે. જો કે, તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે હત્યા કરનાર વ્યક્તિ ઘટના સમયે ઘરની અંદર જ હતો. કેરળના વતની આનંદ અને પ્રિયંકા છેલ્લા નવ વર્ષથી અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો, જ્યારે પ્રિયંકા સીનિયર એનાલિસ્ટ હતા. આ બંને બે વર્ષ પહેલા જ ન્યુજર્સીથી સેન મતેઓ આવ્યા હતા. તેઓ બંને ખૂબ જ મિલનસાર, મહેનતુ અને સમર્પિત લોકો હતા. તેમના સહકર્મીઓ અને પડોશીઓ બંને તેમને પસંદ કરતા હતા. રેકોર્ડ મુજબ, આનંદે 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ બંને અલગ થયા ન હતા.
અમેરિકામાં છેલ્લા કેટલાંક દિવસોમાં ભારતીય મૂળના લોકોના મોતના ઘણા કિસ્સા સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા જ મેસેચ્યુસેટ્સમાં એક સમૃદ્ધ ભારતીય પરિવારના ત્રણ સભ્યો તેમના ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોમાં દંપતી સાથે તેમની કિશોરી પુત્રી પણ હતી. અમેરિકામાં છેલ્લા સાત મહિનામાં ભારતીય મૂળના ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. જો કે, ભારતમાં અમેરિકી રાજદૂતે કહ્યું કે અમેરિકી સરકાર તેના દેશમાં દરેક વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.


