- રશિયા અને યુક્રેન છેલ્લા 2 વર્ષથી યુદ્ધના મેદાનમાં આમને-સામને
- હૈદરાબાદના યુવાન અફસાનને બળજબરીથી કરાયો હતો સેનામાં સામેલ
- મોસ્કોમાં ભારતીય દૂતાવાસે અફસાનના મોતની પુષ્ટિ કરી
છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેનની સેના યુદ્ધના મેદાનમાં આમને-સામને છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે નોકરીના બહાને રશિયન આર્મીમાં સામેલ થયેલા એક ભારતીય નાગરિકનું મોત થયું છે. મૃતક વ્યક્તિ તેલંગાણાના હૈદરાબાદનો રહેવાસી હતો. તેની ઓળખ મોહમ્મદ અફસાન તરીકે કરવામાં આવી છે. અફસાન માત્ર 30 વર્ષનો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફસાનને ગત વર્ષે ડિસેમ્બરમાં રશિયાએ સહાયક તરીકે બોલાવ્યો હતો. જો કે, જ્યારે અફસાન રશિયા પહોંચ્યો તો તેને બળજબરીથી રશિયન સેનામાં સામેલ કરી દીધો હતો. ત્યારથી તે યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં લડી રહ્યો હતો.
મોસ્કોમાં ભારતીય દૂતાવાસે કરી પુષ્ટિ
તાજેતરમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રશિયન સેનામાં બળજબરીથી ભરતી કરાયેલા ભારતીય યુવકને બચાવવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ, મોસ્કોમાં ભારતીય દૂતાવાસ દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.
મૃતક ભારતીય વ્યક્તિના ભાઈનું નામ ઈમરાન છે. ઈમરાને તેના ભાઈ અંગે તાજેતરમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ હાજર હતા. અફસાનને રશિયામાં નોકરી ત્યાંના એક એજન્ટના કારણે મળી હતી. તેના મૃત્યુ બાદ તેનો પરિવાર એજન્ટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, તેઓ હજુ સુધી તેમની મુલાકાત નથી થઈ શકી. આ બાબતે એજન્ટનું કહેવું છે કે અફસાનનું મૃત્યુ નથી થયું.
આટલું જ નહીં, જો એજન્ટની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો અફસાનને જે જગ્યાએ પોસ્ટ કરવામાં આવ્યો હતો તે સ્થળ યુક્રેનના સરહદી વિસ્તારથી દૂર હતું. એજન્ટના કહેવા મુજબ અફસાન જીવિત છે. તેને મોસ્કોથી દૂર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેથી તે અત્યારે કંઈપણ કન્ફર્મ કરી શકે તેમ નથી. અફસાનના પરિવારમાં તેની પત્ની અને 2 બાળકો છે.


