- એગ્રિ ઝોનની જમીનમાં પાલિકાએ બાંધકામની મંજૂરી રદ કરી હતી
- મંજૂરી વગર બાંધકામનો 3 દિવસમાં સ્થળ તપાસ કરી રિપોર્ટ મંગાવ્યો
- ઝોનફેર માટે પાલિકામાં દબાણ કરાતુ હોવાનું જાણવા મળ્યુ છે
ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર એગ્રી ઝોનમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ માટે ફાળવેલી જમીનમાં પાલિકાએ બાંધકામની મંજૂરી રદ કરવા છતાંય બાંધકામ કરાતા ડેપ્યુટી કલેકટરે મામલતદારને 3 દિવસમાં સ્થળ તપાસ કરી રીપોર્ટ સોંપવાનો હુકમ કરાતા કડક કાર્યવાહીના એંધાણ વર્તાઇ રહયા છે.
સુરેન્દ્રનગર શહેરમાં પાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર લારી-પાથરણા વાળાને પણ બેસવા દેવાતા નથી.એવામાં ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુલને એગ્રીઝોનમાં મલ્ટી સ્પે.હોસ્પીટલ બનાવવા માટે સરકારી જમીન ફાળવાઇ હતી. 6 માસમાં બાંધકામની મંજૂરી લઇ કામ શરૂ કરવાનો હુકમ છતાંય 13 માસ બાદ પાલિકાએ બાંધકામની મંજૂરી રદ કરવા છતાંય મંજૂરી વગર બાંધકામ શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ ધ્રાંગધ્રા પાલિકા દ્વારા કામ બંધ કરાવી વિકાસ પરવાનગી સહિતના પુરાવા રજૂ કરવાની નોટીસ પાઠવી દીધી હતી. બીજી તરફ આ જમીન શરતભંગ થતી હોવાથી ખાલસા કરવા માટે અરજદારે જણાવ્યા બાદ ગંભીરતા લઇને ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્ય દ્વારા ધ્રાંગધ્રા મામલતદારને સ્થળ તપાસ કરી 3 જ દિવસમાં અહેવાલ રજૂ કરવા લેખિત આદેશ કર્યો છે. આમ મનમાની ચલાવી કાયદાની ઐસીતૈસી કરી હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાનું ગેરકાયદે બાંધકામ શરૂ કરતા પાલિકા અને ડેપ્યુટી કલેકટર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા જમીન ખાલસા થવાના અને ટ્રસ્ટીઓ સામે પણ પગલાં લેવાય એવા એંધાણ વર્તાઇ રહયા છે.
ઝોન ફેર બદલવાની દરખાસ્તમાં પણ અડચણ
પાલિકાની મંજૂરી વગર બાંધકામ શરૂ કરી દીધા બાદ પાલિકાએ જ નોટીસ આપી કામ બંધ કરાવ્યુ છે. વળી શરતભંગ પણ થાય છે. ત્યારે ઝોનફેર માટે પાલિકામાં દબાણ કરાતુ હોવાનું જાણવા મળ્યુ છે. પરંતુ વગર મંજૂરીએ ખડકેલુ બાંધકામ અડચણરૂપ બની શકે છે.


