- ઘરે અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો
- હોસ્પિટલમાં ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો
- વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
રાજ્યમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. જેમાં નાની ઉંમરમાં યુવકે હાર્ટ એટેકમાં જીવ ગુમાવવાની ઘટના બની છે. નવસારીમાં રહેતા 21 વર્ષીય યુવાનનું સંભવિત હૃદય રોગના હુમલા થી નિધન થતા પરિવાર ઉપર આભ તુટી પડ્યું છે. નવસારી શહેરને અડીને આવેલા જલાલપુરમાં રહેતા પ્રકાશ ભંડેરીના 21 વર્ષે પુત્ર દર્શિલ LLB ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.
એક તરફ સતત યુવાનોમાં વધતા હૃદય રોગના હુમલાને કારણે ચારે કોર ચિંતા વઘી રહી છે. ત્યાં આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ દર્શિલ પોતાના ઘરે હતો તે દરમિયાન સંભવિત રીતે એકાએક હૃદય રોગનો હુમલો આવતા સૌપ્રથમ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
આ પછી તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક દર્શિલ ના પિતા પ્રકાશ ભંડારી જલાલપુરમાં હોલસેલ અનાજ કરિયાણાના વેપારી છે. જ્યારે પરિવારમાં એકનો એક લાડકવાયો દર્શિલ જીવનમાં વકીલ બનવાના સપના સેવતો હતો.
હાલમાં સતત નાની ઉંમરના લોકોમાં હૃદયરોગની ઘટના વધી રહી છે. જ્યારે કેટલાંક કેસમાં તેના માટે પોસ્ટ મોર્ટમની પણ ડૉકટરો દ્વારા સાચુ કારણ જાણવા માટે સૂચન આપવામાં આી રહી છે. આ વચ્ચે મૂળ અમરેલીના વતની આ પરિવાર પર વજ્રઘાત થતા જલાલપુરમાં વસતા સૌરાષ્ટ્ર વાસી પરિવારો ગમગીન બન્યા છે.


