માઘસ્ય શુક્લપક્ષભ્યાં વિદ્યારંભદિનેડપિ ચ।
પૂર્વેડદિન સંયમં કૃત્વા તગાદિન સંયત:શુચિ:॥ (બ્રહ્મ વૈવર્તપુરાણ, પ્રકૃતિખંડ 4/32)
મંત્રના જાપ સાથે મા શારદાની પૂજા-અર્ચના કરવાથી સાધકની બુદ્ધિ સતેજ બને છે અને સાધક વિદ્યાવાન બનવાની આશિષ મેળવે છે. સાધક જ્ઞાનવાન અને વિદ્યાવાન થતાં તે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે. મા શારદાની ઉપાસનાથી માનસિક શક્તિના વધારા સાથે ભૌતિક સંપદામાં પણ વધારો થાય છે, તેથી મા શારદાની ઉપાસના સર્વ ફળ આપનારી છે તેમ કહીએ તો ખોટું નથી.
દેવી સરસ્વતીનું સ્વરૂપ
યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:॥
સરસ્વતી વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને વાણીની અધિષ્ઠાત્રી દેવી છે. ભગવતી શારદા તેના ઉપાસકો માટે નિરંતર જ્ઞાનની ધારા પ્રવાહિત કરે છે. તેનું સ્વરૂપ જ્ઞાનમય, આનંદમય છે. તેમનું તેજ દિવ્ય અને પ્રખર છે અને તે જ શબ્દ બ્રહ્મના રૂપમાં ઉચ્ચારાય છે. ભગવતી શારદાનું મૂળ સ્થાન શશાંકસદન અર્થાત્ અમૃતમય પ્રકાશપુંજ છે. જ્યાંથી તે પોતાના ઉપાસકો માટે નિરંતર જ્ઞાનામૃતની ધારા પ્રવાહિત કરે છે. તેમની મૂર્તિ શુદ્ધ, જ્ઞાનમય, આનંદમય છે. તેમનું તેજ દિવ્ય અને અપરિમેય છે. સૃષ્ટિકાળમાં ઈશ્વરની ઈચ્છા થકી આદ્યાશક્તિએ પોતાને પાંચ ભાગોમાં વિભક્ત કરી લીધી હતી. રાધા, પદ્મા, સાવિત્રી, દુર્ગા અને સરસ્વતીના રૂપમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિભિન્ન અંગોમાંથી પ્રગટ થયાં હતાં. શ્રીકૃષ્ણના કંઠમાંથી ઉત્પન્ન થયેલ દેવીનું નામ સરસ્વતી પડ્યું.
કૃષ્ણકણ્ઠોદ્ભવા સા ચ યા મ દેવી સરસ્વતી। (ગણપતિખંડ 40/61, 66)
`શ્રીમદ્ દેવી ભાગવત’ અને `શ્રી દુર્ગા સપ્તશતી’માં પણ આદ્યશક્તિ દ્વારા સ્વયં પોતાને ત્રણ ભાગોમાં વિભક્ત કર્યાની કથા પ્રાપ્ત થાય છે. આદ્યશક્તિનાં આ ત્રણ રૂપ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના નામથી જગવિખ્યાત છે. ભગવતી સરસ્વતી સત્ત્વગુણ સંપન્ના છે. તેમનાં અનેક નામો છે. વાક્, વાણી, ગી:, ગિરા, ભાષા, શારદા, વાચા, ઈશ્વરી, વાગીશ્વરી (વાગ્દેવી), બ્રાહ્મી, ગૌ, સોમલતા, વાગ્દેવી અને વાગ્દેવતા વગેરે દેવી સરસ્વતીનાં ખૂબ જ પ્રસિદ્ધ નામ છે.
ભગવતી સરસ્વતીનો મહિમા અને પ્રભાવ અસીમ છે. ઋગ્વેદના 10/125 સૂક્તના આઠમા મંત્ર અનુસાર વાગ્દેવી સૌમ્ય ગુણોની દાત્રી તથા વસુ-રુદ્રાદિત્યાદિ સઘળા દેવોની રક્ષિકા છે. તે રાષ્ટ્રીય ભાવના પ્રદાન કરે છે તથા લોકહિત માટે સંઘર્ષ કરે છે. સૃષ્ટિનું નિર્માણ એ વાગ્દેવીનું મુખ્ય કાર્ય છે. તે જ સમગ્ર સંસારની નિર્માત્રી અધિશ્વરી છે. વાગ્દેવીને પ્રસન્ન કરી લેવાથી મનુષ્ય સંસારનાં સઘળાં સુખ ભોગવે છે. તેમના અનુગ્રહથી મનુષ્ય જ્ઞાની, વિજ્ઞાની, મેધાવી, મહર્ષિ અને બ્રહ્મર્ષિ થઈ શકે છે. વાગ્દેવી સર્વત્ર વ્યાપ્ત છે. છતાં પણ તે નિર્લેપ-નિરંજન અને નિષ્કામ છે.
સરસ્વતી પૂજનની સામગ્રી
ભગવતી સરસ્વતીની ઉત્પત્તિ સત્ત્વ ગુણથી થઈ છે. તેમની આરાધના અને પૂજામાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની સામગ્રી શ્વેત વર્ણની હોય છે. જેમ કે, દૂધ, દહીં, માખણ, સફેદ તલના લાડુ, ઘઉં, ઘઉંના જવારાનો રસ, પાકેલો ગોળ, મધ, શ્વેત પુષ્પ, શ્વેત પરિધાન (રેશમી અથવા સુતરાઉ) શ્વેત અલંકાર (ચાંદીમાંથી બનેલ), શ્વેત મિષ્ટાન્ન, આદું, મૂળા, ખાંડ, સાકર, સફેદ ચોખાના દાણા, તાંદુલ, સફેદ મોદક, ઘી, પાકેલું કેળું, નાળિયેરનું જળ, શ્રીફળ, બદરીફળ વગેરે.
વિદ્યા ધન
મા શારદા વિદ્યાની દેવી છે અને વિદ્યાને સર્વ ધનમાં પ્રધાન ધન કહેવામાં આવ્યું છે, કારણ કે વિદ્યા જ એવું ધન છે જેનો ક્યારેય નાશ થતો નથી. તે એક જ એવું ધન જે વાપરવાથી વધે છે અને તે ધનથી સંસારનાં સર્વ સુખો ખરીદી શકાય છે. વિદ્યાવાન, જ્ઞાનવાન, પ્રખર તજ્જ્ઞ વ્યક્તિ પોતાના જ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી શકે છે અને તે પ્રગતિના આધારે તે ભૌતિક સુખ પણ સરળતાથી મેળવી શકે છે, તેથી મા શારદાને સર્વસિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. મા શારદાની વિધિવિધાનપૂર્વક ઉપાસના કરવામાં આવે તો મા સરસ્વતી સાધકના જીવનમાં માન-સન્માન, પદપ્રતિષ્ઠા, ભૌતિક વૈભવ મેળવી ધન્ય બની જાય છે.
દેવી સરસ્વતીની કૃપાથી સર્વ સંસારનો વ્યવહાર ચાલે છે, કારણ કે સમગ્ર સંસારની ગતિ બુદ્ધિ વિના શક્ય નથી. મા સરસ્વતીની કૃપાથી જ બુદ્ધિ સન્માર્ગે પ્રેરિત થાય છે, સંસારનાં બધાં જ કાર્યો શક્ય બને છે, તેથી મા શારદાની કૃપા સંસારની ગતિ માટે, તેના પ્રગતિ વિકાસ માટે બહુ આવશ્યક છે. જીવનમાં તેની ઉપાસના કરવાથી સર્વ સિદ્ધિઓ મળે છે.
નિસર્ગનું યૌવન : વસંતપંચમી
વસંતપંચમીએ પ્રકૃતિનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવનાં વધામણાં આપતો દિવસ એટલે વસંતપંચમી. તેથી નિસર્ગ સાથે સંકળાયેલ વ્યક્તિ આ ઉત્સવથી અલિપ્ત કેમ રહી શકે! પ્રકૃતિની સાથે મનુષ્ય પણ વસંતપંચમીનો ઉત્સવ ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે.
વસંત એ સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની અંદર છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખીલવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર, વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની માદક સુવાસથી મહેકી ઊઠેલું અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ અને તેમાંય કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે. વનસ્પતિની જેમ માનવજીવનમાં પણ પાનખર આવે જ છે. ત્યારે ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી લાગ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન જરૂર ખીલવશે. એવો આશાદીપ સતત પ્રજ્વલિત રાખવાનું સૂચન વસંત કરે છે. તે આપણું જીવન હરિયાળું બનાવશે જ, તેની ખાતરી રાખવાની છે.
શિક્ષાપત્રી જયંતી
સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીની જયંતી વસંતપંચમી જ છે. શ્રી સહજાનંદ સ્વામીએ સંવત 1882ના મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીના શુભદિને સર્વજીવોના હિતાર્થે વડતાલ મંદિરના સભામંડપમાં સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી. સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથસમાન અને સર્વજીવોના હિતાર્થે શ્રી હરિએ 212 શ્લોકોમાં આચાર્ય, સંતો, સાંખ્યયોગી બાઈઓ, સર્વે હરિભકતો તથા બ્રહ્મચારીઓને આજ્ઞાઓ પાળવાની કરી છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાથી જીવ સર્વ રીતે સુખિયો થાય છે. શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણીરૂપ શબ્દ મૂર્તિ છે.
ઉપાસના કેવી રીતે કરશો?
શાસ્ત્રોમાં વાગ્દેવીની આરાધના સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરીને સાર્વજનિક રીતે નહીં, પરંતુ વ્યક્તિગત રીતે કરવાનું એક વિધાન કરવામાં આવ્યું છે. સરસ્વતી `રહસ્યોનિષદ’, `પ્રપંચસાર’ અને `શારદાતિલક’ વગેરે ગ્રંથોમાં ભગવતી સરસ્વતીનું દિવ્ય સ્વરૂપ તથા તેમની ઉપાસનાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમના વ્રતોપવાસ સંબંધી અનેક મંત્ર, યંત્ર, સ્તોત્ર તથા પદ્ધતિઓ પણ તેમાં જોવા મળે છે.
`સંવત્સર પ્રદીય’, `શ્રીમદ્ દેવી ભાવગત’, `શ્રી દુર્ગા સપ્તશતી’ તથા `બ્રહ્મવૈવર્તાદિ’ પુરાણોમાં સરસ્વતીના પૂજનની વિધિ દર્શાવી છે તે મુજબ ભગવતી સરસ્વતીના ઉપાસકોએ માઘ માસની સુદ પક્ષની પાંચમ તિથિએ પ્રાત:કાળે ભગવતી સરસ્વતીની પૂજા કરવી જોઈએ. તેના એક દિવસ પહેલાં એટલે કે માઘ સુદ ચોથે ઉપાસકે સંયમ, નિયમ વગેરેનું પાલન કરવું. તે પછી પાંચમના દિવસે પ્રાત:કાળે ઊઠીને સ્નાનાદિમાંથી પરવારી ઘટ (કળશ)ની સ્થાપના કરી તેમાં વાગ્દેવીનું આવાહન કરવું તથા વિધિપૂર્વક દેવી સરસ્વતીની પૂજા કરવી. પૂજનના કાર્યમાં પોતે સક્ષમ ન હોય તો, કોઈ કર્મકાંડી અથવા કુળપુરોહિતની મદદથી પૂજન કરવું જોઈએ.
ભગવતી સરસ્વતીના પૂજનમાં સર્વ પ્રથમ આચમન, પ્રાણાયામ કર્યા પછી સરસ્વતીના પૂજનનો સંકલ્પ કરી લેવો. તેમાં દેશકાલાદિનું સંકીર્તન કરતા છેવટે `યથોપલબ્ધ પૂજનસામગ્રીભિ: ભગવત્થા: સરસ્વત્થા: પૂજનમહં કરિષ્યે।’ વાંચીને સંકલ્પનું જળ પધરાવવું. તે પછી શ્રી ગણેશજીની પૂજા કરી કળશની સ્થાપના કરી તેમાં દેવી સરસ્વતીનું સાદર આવાહન કરી વૈદિક અથવા પૌરાણિક મંત્રોનો ઉચ્ચાર કરતાં કરતાં ઉપચારની સામગ્રીઓ ભગવતીને સાદર અર્પણ કરવી. શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા। આ અષ્ટાશ્રર મંત્રથી દરેક વસ્તુ ક્રમશ: શ્રી સરસ્વતીને સમર્પણ કરવી. (દેવી ભાગવત્) છેલ્લે દેવી સરસ્વતીની આરતી કરી તેમની સ્તુતિનું ગાન કરવું.