- આરટીઓ ઈન્સ્પેક્ટરોની પડતર માગણીઓને લઈને વિવાદ વકરી રહ્યો છે
- આજથી 7 ઉચ્ચ અધિકારીઓ અલગ-અલગ રીતે મુખ્ય 25 RTOમાં ફલાઇંગ વિઝિટ કરશે
- બીજી તરફ આંદોલન અંતર્ગત બુધવારે ટ્વિટર અભિયાન કરાયું અને ગુરુવારે સૂત્રોચ્ચાર કરાશે
આરટીઓ ઇન્સ્પેકટરોની પડતર માંગણીઓને લઇને વિવાદ વકરી રહ્યો છે. ઇન્સ્પેકટરો રોજબરોજ કાર્યક્રમો કરી રહ્યા છે અને 4થી માર્ચે માસ સીએલ અને દેખાવનો કાર્યક્રમ યોજવાના છે. ત્યારે આંદોલનને કચડી નાંખવા માટે વાહનવ્યવહાર કમિશનર કચેરની ટીમ ગુરુવારથી મુખ્ય 25 RTO કચેરીમાં ફલાઇંગ વિઝીટ માટે જવાની છે. 7 ઉચ્ચ અધિકારીઓ અલગ-અલગ રીતે મુખ્ય 25 RTOમાં અરજદારોની સુવિધા માટે જશે. ચાર દિવસમાં ચકાસણીની કામગીરી પૂરી કરાશે. બીજી તરફ આંદોલન અંતર્ગત બુધવારે ટ્વિટર અભિયાન કરાયું અને ગુરુવારે સૂત્રોચ્ચાર કરાશે. આરટીઓમાં કચેરીમાં સુવિધા વધારાય અને ઇન્સ્પેકટરોને ચેકિંગ પોઇન્ટ પર પ્રાથમિક સગવડ મળે તે માટે છેલ્લા બે દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આ વિઝિટ માત્રને માત્ર આંદોલનને કચડી નાંખવા માટે હોવાનું ઇન્સ્પેકટરો માની રહ્યા છે.
અધિકારીઓના રિપોર્ટ બાદ સુધારા-વધારા કરાશે
આંદોલનને કચડી નાંખવાની સાથે ઇન્સ્પેકટરોની પડતર માંગણી યોગ્ય છે કે નહીં, તેની ચકાસણી માટે કમિશનરે રાજ્યની મુખ્ય 25 આરટીઓ કચેરીમાં એક-એક અધિકારીને મોકલવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારથી સોમવાર સુધીમાં ચકાસણીની કામગીરી પૂરી કરી દેવાશે. ડિસેમ્બરમાં પ્રત્યેક આરટીઓને અરજદારો માટે સુવિધા વધારવા સૂચના અપાઇ હતી. તે પ્રમાણે કામગીરી થઇ છે કે, નહીં તેની ચકાસણી માટે ટીમ જઇ રહી છે. આરટીઓને સોંપેલી મર્યાદા મુજબ ખર્ચ કરવા સ્થળ પર સૂચના અપાશે. ટીમના રિપોર્ટના આધારે કમિશનર સુધારા-વધારાનો નિર્ણય કરશે.


