- બોરસદની વાસદ ચોકડી પાસે ટ્રકે 6 વાહનોને લીધા અડફેટે
- ઘટનામાં ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચી
- અકસ્માતને લઈ રોડ પર સર્જાયો ટ્રાફિકજામ
આણંદના બોરસદમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. બોરસદમાં વાસદ ચોકડી પાસે બેકાબૂ ટ્રક ચાલકે 6 વાહનોને અડફેટે લીધા છે. ભાદરણ તરફથી પુરપાટ ઝડપે આવેલી ટ્રકે એક પછી એક એમ કૂલ 6 વાહનોને અડફેટે લીધા છે અને આ અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માત સર્જનારો બેકાબૂ ટ્રક ચાલક ટ્રક ઘટનાસ્થળે જ મુકીને થયો ફરાર
બોરસદની વાસદ ચોકડી પાસે એક ટ્રક ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને ટ્રક ચાલક બેકાબૂ બનતા રસ્તામાં વચ્ચે ટ્રે્ક્ટર, કાર, બાઈક, એક્ટિવા સહિત 6 વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી છે, જેમને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અકસ્માત સર્જનારો બેકાબૂ ટ્રક ચાલક હાલ ટ્રક ઘટનાસ્થળે જ મુકીને ફરાર થઈ ગયો છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
એક બાદ એક 6 વાહનોને રસ્તામાં ટ્રક ચાલકે અડફેટે લેતા રસ્તા પર મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ બોરસદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સવારે આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો
આજે સવારે આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જેમાં આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. તેમાં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ અકસ્માત થયો હતો. જેમાં લક્ઝરી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી અને તેમાં ટાયર ફાટતા ઉભેલી બસને જોરદાર ટક્કર વાગી હતી.
આ અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતાં તેમના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી હતી અને મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી.


