આણંદ જિલ્લામાં એક લઘુમતી સમુદાયની દીકરી દ્વારા ધર્માંતરણ કરીને લગ્ન કરવાના મામલે ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વનું અવલોકન કરીને પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. દીકરીના પિતાએ આ ધર્માંતરણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (FIR) નોંધવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્પષ્ટપણે રદ્દ કરી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવતા જણાવ્યું હતું કે “લગ્ન માટે કરવામાં આવેલું સ્વૈચ્છિક ધર્માંતરણ ગેરકાયદે ન કહી શકાય.” કોર્ટે આ સાથે જ પિતાની પોલીસ ફરિયાદ નોંધવાની માંગણીને પણ અમાન્ય ઠેરવતા કહ્યું કે, “આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ ન કરી શકાય.”
ગુજરાત હાઈકોર્ટની ટકોર
આ મામલો આણંદનો હતો, જ્યાં એક લઘુમતી સમુદાયની યુવતીએ અન્ય ધર્મમાં ધર્માંતરણ કરીને લગ્ન કર્યા હતા. પિતાએ આ ધર્માંતરણને ગેરકાયદેસર ગણાવીને કાયદાકીય કાર્યવાહીની માંગણી કરી હતી. જોકે, હાઇકોર્ટે પોતાના અવલોકનમાં યુવતીના પુખ્ત વયના અને સ્વૈચ્છિક નિર્ણયને માન્યતા આપી છે. હાઇકોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે, જ્યાં સુધી કોઈ વ્યક્તિ પુખ્ત વયની હોય અને કોઈ પણ પ્રકારના દબાણ વગર સ્વેચ્છાએ ધર્માંતરણ કરીને લગ્ન કરે છે, ત્યાં સુધી તેને કાયદેસર ગણવામાં આવશે અને માત્ર ધર્માંતરણના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી શકાય નહીં. આ ચુકાદો પુખ્ત વયના વ્યક્તિના અંગત નિર્ણયોની સ્વતંત્રતા અને કાયદાકીય માન્યતા પર ભાર મૂકે છે.
આ પણ વાંચો : Porbandar ના દરિયામાં પાકિસ્તાની બોટ ઝડપાઈ, 11 ક્રૂ મેમ્બરની અટકાયત, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ


