- ગત અને ચાલુ વર્ષના 35.91 કરોડના માંગણા બિલો સામે 50 ટકા વસૂલાત
- માર્ચ સુધી ટેક્સ કલેક્શનની કામગીરી પૂરી કરી દેવાશે
- વોરંટ અને નોટીસ ફીનો એકપણ રૂપિયો વસૂલાયો નથી
આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાઇ છે. ત્યારે પાલિકાની વેરાવ્ વસુલાત ઝુંબેશને વેગ આપતા નાણાંકીય વર્ષ માર્ચ એન્ડીંગને લઇને નગરપાલિકાના ટેક્ષ વિભાગ દ્વારા 17.88 કરોડનો અત્યાર સુધીમા વેરો વસુલાત કરવામા આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. જેમા જનરલ, એજ્યુકેશન સેશ, ડ્રેનેજ, સ્પેશીયલ વૉટર, જનરલ કલીનીંગ, જનરલ વોટર ટેક્ષ, જનરલ સ્ટ્રીટલાઇટ ટેક્ષ,એજયુકેશન ટેક્ષ પેનલ્ટીના ગતવર્ષ અને ચાલુ વર્ષના 35.91 કરોડના માંગણા બિલો સામે ટેક્ષવિભાગની વસુલાત ટીમે 17.88 કરોડની વસુલાત કરી છે. જોકે 31 માર્ચ સુધીમાં વસુલાતને વધુ વેગ આપવામા આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે.
આણંદ નગરપાલિકા દ્વારા જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં નાગરિકોને પુરી પાડવામા આવતી પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઇટ, સફાઇની સુવિદ્યા પેટે નિયત વેરો નિર્ધારીત કરીને તેની વસુલાત કરવામા આવે છે. ત્યારે માર્ચ એન્ડીંગ નજીક હોઇ પાલિકાના ટેક્ષ વિભાગ દ્વારા શહેરીજનોને માંગણા બિલો ઇસ્યુ કર્યા બાદ વેરા વસુલાતની કામગીરી શરૂ કરવામા આવી છે. જેમાં અગાઉના વર્ષોના ટેક્ષબાકી દારો તેમજ ચાલુ વર્ષના જંગી મિલ્કતો ધરાવાત બાકીદારો વિરૂદ્ધ કડક વસુલાતની કામગીરી હાથ ધરવામા આવી છે. જેમા ગતવર્ષમાં 13,40,66,726ના માંગણા બિલો ઇસ્યુ કરવામા આવ્યા હતા. જયારે ચાલુ વર્ષના 22,50,39,122 ના બિલો મિલ્કતધારકોને ઇસ્યુ કરાયા છે. બન્ને વર્ષના 35,91,05848ની કુલ બાકી સામે અત્યાર સુધી માં નગરપાલિકા દ્વારા 17,88,52,876ની જંગી રકમની વસુલાત કરી છે. જોકે હજુ 18,02 કરોડની વસુલાત બાકી છે. જે વસુલાત કરવા માટે મિલ્કત ધારકોને નોટીસ ફટકારવામા આવી છે. જેમા નિયત સમયમાં ટેક્ષ ભરપાઇ ન કરનાર શહેરીજનોને નોટીસો ઇસ્યુ કર્યા બાદ આખરે તેઓ વિરૂદ્દ સખ્ત પગલાં ભરવા માટેની પણ તૈયારીઓ શરૂ થઇ છે.જેમાં નાગરિકો દ્વારા પાલિકા દ્વારા પુરી પાડવામા આવતી સુવિદ્યાનો લાભ મેળવ્યા બાદ ટેક્ષ ભરપાઇ કરવામા અખાડા કરવામા આવતા હોઇ આવા બાકીદારો વિરૂદ્ધ આગામી દિવસોમા પાલિકા દ્વારા લાલ આંખ કરવામા આવશે તેમ જાણવા મળ્યુ છે.
વોરંટ અને નોટીસ ફીનો એકપણ રૂપિયો વસૂલાયો નથી
નગરપાલિકા દ્વારા મિલ્કતધારકોને જે-તે કોંમર્શિયલ, રેસીડેન્સીયલ મિલ્કતના માંગણા બિલો ફટકારવામા આવ્યા છે. પરંતુ એકપણ મિલ્કતધારક પાસેથી વોરંટ કે નોટીસ ફી લાગુ કરી નથી કે વસુલી પણ નથી, પરંતુ જો હવે મિલ્કતધારકો 31માર્ચ પહેલા તેઓના બાકી માંગણા બિલો ભરપાઇ નહીં કરે તો પાલિકા દ્વારા આકરા પગલાં લેવામા આવશે. તે વાત નિશ્ચિત છે.


