- રાજકોટ અગ્નિકાંડ બાદ ઉમરેઠનું તંત્ર એક્શનમાં
- ઓડ ચોકડી પાસે આવેલા જી માર્ટને કરાયું સીલ
- મામલતદાર સહિતના અધિકારીઓની કાર્યવાહી
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગમાં 28 લોકોના મોત પાછળ ફાયર સેફટીનો અભાવ સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફાયર સેફટીનો અભાવ ધરાવતા એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આણંદના ઉમરેઠમાં પણ સરકારી તંત્ર એક્શનમાં આવ્યું છે અને ફાયર સેફટી વગરના એકમો સામે લાલ આંખ કરી છે.
આણંદના ઉમરેઠમાં મામલતદાર તેમજ વિવિધ અધિકારી દ્વારા આજે સવારથી જ શહેરભરમાં ફાયર સેફ્ટીને લઈને જુદા જુદા એકમો ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો, ઉમરેઠની ઓડ ચોકડી પાસે આવેલ જી માર્ટ મોલ ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફાયર સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જી માર્ટ મોલ ખાતે ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો તો સાથે સાથે ખુલ્લા વીજ વાયરો પણ મળી આવતા ઉમરેઠ પાલિકા દ્વારા મોલમાં સીલ મારવામાં આવ્યું હતું. વધુમાં, ઉમરેઠ નગરની વિવિધ હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીને લઈને ચેકીંગ કરવામાં આવ્યું હતું.


