ઉમરેઠ શહેરની જલારામ સોસાયટીમાં રાત્રિના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવીને તાળાં તોડી એક મકાનની અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ રૂ. 15 હજારની મતાની ચોરી કરીને ફરાર થઈ જતાં નગરજનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.
ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. મળતી માહિતી મુજબ ઉમરેઠમાં આવેલી જલારામ સોસાયટીમાં 33 નંબરના મકાનમાં રહેતા ચંદ્રકાન્ત શાંતિલાલ રાણા પરિવાર સાથે ઘરને તાળુ મારીને બહારગામ ગયા હતા. દરમિયાન મધ્યરાત્રિના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને તાળાં તોડીને અંદર પ્રવેશ કરી તીજોરી તેમજ કબાટોનો સામાન વેરવિખેર કરી નાંખીને અંદર મુકેલ 10 નંગ સોનાની ચુની, પેન્ડલ, ચાંદીના છડા તેમજ રોકડા રૂ. 7 થી 8 હજારની મતાની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ તસ્કરાએે 22 નંબરના બંધ મકાનનું તાળુ તોડીને અંદર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મકાન માલિક બહાર રહેતા હોય, મકાનમાંથી કોઈ કીમતી ચીજવસ્તુ ના મળી આવતાં તસ્કરોને અહીંયાથી ખાલી હાથે ફરવું પડયું હતું. જોકે ત્યારબાદ તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સવારે ચોરીની જાણ પડોશીઓને થતાં જ તેમણે તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.


