- બોલો….ગણપતિ ફાટસરમાં પાણી માટે ચક્કાજામ થાય છે અને અહીં વેડફાય છે
- પાલિકામાં જૂથબંધીના કારણે શહેરીજનોની સમસ્યામાં વધારો
- પાલિકાની કામગીરી સામે ભારે રોષ વ્યકત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ
જોરાવરનગર પાણીની ટાંકીના વાલ્વમાંથી લાખો લીટર પાણી રસ્તા-ગટરમાં વહી જવા છતાય બંધ કરવા વાળુ કોઇ હાજર ન દેખાતા નાગરીકે વિડીયો વાયરલ કરતા પાલિકાની કામગીરી સામે શહેરીજનોએ રોષ વ્યકત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક દિવસ પહેલા જ પુરતુ-સમયસર પાણી નહીં મળતુ હોવાના કારણે ગણપતિ ફાટસર વિસ્તારના લોકોએ હાઇવે ચકકાજામ કરી સુરેન્દ્રનગર પાલિકાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે બીજા જ દિવસે જોરાવનગર પાણીની ટાંકીના વાલ્વમાંથી લાખો લીટર પાણી રસ્તા ઉપર ચોમાસાની જેમ ફરી વળ્યુ હતુ અને ગટરમાં પણ વહી ગયુ હતુ. એક તરફ સુરેન્દ્રનગરમાં પાણી માટે પોકાર પડી રહ્યા છે અને અહીં લાખો લીટર પાણી વેડફાઇ રહયુ હોવા છતાય પાલિકાનો કોઇ સ્ટાફ હાજર દેખાતો ન હતો. આ ગંભીર બાબતનો જાગત્ત નાગરીકે વીડિયો વાયરલ કરતા સુરેન્દ્રનગર પાલિકાની બેદરકારી સામે શહેરીજનોએ ભારે રોષ વ્યકત કર્યો હતો. આમ હમણાથી ગંદકી, પાણીની સમસ્યા, કચરાના ટ્રેકટરમાં પથ્થરના ફેરા જેવી ગંભીર બેદરકારી જોતા પાલિકાની બીજી ટર્મ બદલાયા બાદ કોઇના ઇશારે પાલિકાના ચીફ ઓફિસર, એન્જી સહિતના સરકારી બાબુઓ નવા પ્રમુખ કે ચૂંટાયેલા પ્રતિનીધીઓનું ગાંઠતા ન હોય એવુ લાગી રહયુ છે. હવે આ પાલિકાના અંદરો અંદરના ગજગ્રાહના કારણે શહેરીજનો પીસાતા હોવાથી લોકોએ પાલિકાની બેદરકારભરી કામગીરી સામે ભારે રોષ વ્યકત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સીનીયર સીટીઝનોના જણાવ્યા અનુસાર, પાલિકામાં આવી રીતે જ મનમાની ચાલતી રહેશે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાના એંધાણ વર્તાઇ રહયા છે.


