Updated: Oct 18th, 2023
– ઘઉંના ભાવ આઠ માસની ઊંચી સપાટીએ છે ત્યારે ટેકાના ભાવમાં રૂ. 150નો વધારો
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઘઉં, રાયડા રવિ સિઝનના કુલ છ મુખ્ય પાકો માટે સરકારી ખરીદી કરવાના ટેકાના ભાવની જાહેરાત કરી છે. ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ હોવા છતાં બજારમાં તહેવારોની ખરીદી અને અત્યારે હાજરમાં માલની અછતના પગલે ભાવ રૂ.૨૬૦૦ પ્રતિ ક્વિન્ટલના આઠ માસની ઉંચી સપાટીએ છે. આ સમયે કેન્દ્ર સરકારે ૨૦૨૪-૨૫ની માર્કેટિંગ સિઝનમાં ઘઉંના ટેકાના ભાવ રૂ.૧૫૦ વધારે રૂ.૨,૨૭૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે. ઘઉંના ભાવમાં છેલ્લા છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સાત ટકાનો વધારો જાહેર કર્યો હોવા છતાં બે વર્ર્ષથી ઘટી રહેલા ઉત્પાદન, હાજરમાં ઘઉંના ઊંચા ભાવ અને કોરોના પછી સસ્તા ભાવે ૮૦ કરોડ લોકોને દર મહીને સસ્તા ભાવે અનાજ વિતરણ થઇ રહ્યું હોવાથી સરકારી સ્ટોકના ઘટાડાના કારણે બહુ મોટો ફેર પડે નહી એવી વેપારીઓની ધારણા છે. ટેકાના ભાવે સરકાર બજારમાંથી ખરીદી કરતી હોય છે. હાજરમાં પુરવઠો વધી જાય અને ભાવ ઘટે તો ખેડૂતને નુકસાન નિવારવા માટે સરકારી ખરીદી દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. બીજું, ઊંચા ભાવની અગાઉથી જાહેરાત કરવામાં આવતી હોવાથી ખેડૂત વધારે વાવેતર કરે એવી પણ ધારણા હોય છે.
આ ઉપરાંત, જવના ટેકાના ભાવ રૂ.૧૧૫ વધારી રૂ.૧૮૫૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. શિયાળુ પાકના કઠોળમાં ચણાનો ભાવ રૂ.૧૦૫ વધારી રૂ.૫૪૪૦ પ્રતિ ક્વિન્ટલ, મસુરના ભાવ રૂ.૪૨૫ વધારી રૂ.૬૦૦૦ પ્રતિ ક્વિન્ટલ તેમજ રાયડો, સરસિયાના ભાવ ૨૦૦ વધારી રૂ.૫,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. સેફ્લાવર કે કુસુમ તેલીબીયાના ભાવ રૂ.૧૫૦ વધારી રૂ.૫૮૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે.