- ઈરાનની IRGCને કેનેડાએ આતંકવાદી સંગઠનના લિસ્ટમાં મૂક્યું
- કેનેડાની આ કાર્યવાહી બાદ IRGCના અધિકારીઓ કેનેડા જઈ શકશે નહીં
- IRGC પર વિદેશમાં સૈન્ય દળોને મદદ કરવાનો આરોપ છે
ઈરાન માટે કેનેડાએ બીજી મુશ્કેલી ઊભી કરી છે. પશ્ચિમી દેશો ઈરાન પર સતત પ્રતિબંધો લગાવી રહ્યા છે. ઈરાન માટે તેમની સાથે વ્યવહાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. કેનેડાએ વધુ એક ઈરાન વિરુધ્ધ પગલું લેતા તેની પ્રાઈમ ફોર્સ IRGCને આતંકવાદી સંગઠનના લિસ્ટમાં સામેલ કરી છે.
બીબીસીના સમાચાર મુજબ કેનેડાની સરકારે વિપક્ષ અને કેટલાક ઈરાની પ્રવાસીના દબાણમાં આવીને પગલું ભર્યું છે. ઘણા વર્ષોથી વિપક્ષ અને ઈરાની ડાયસપોરા માંગ કરી રહ્યા છે કે કેનેડાની સરકાર IRGCને આતંકવાદી સંગઠન જાહેર કરે. કેનેડાના આ પગલા બાદ IRGCના કોઈપણ અધિકારીને કેનેડા આવવા દેવામાં આવશે નહીં. અમેરિકા, સાઉદી અરબ, બહરીન અને સ્વીડન વગેરે IRGCને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરી ચૂક્યા છે.
IRGC શું છે?
IRGC ઈરાનનું એક વિશેષ મિલેટ્રી, પોલિટિકલ અને ઈકોનોમિક ફોર્સ છે, જે સીધું ઈરાનના સર્વોચ્ચ લીડર અલી ખામેનેઈની સાથે જોડાયેલું છે. એક અનુમાન મુજબ IRGC પાસે લગભગ 190,000 એક્ટિવ સૈનિકો છે અને તેની પાસે ઈરાની સેનાથી અલગ પોતાની ગ્રાઉન્ડ ફોર્સ, નેવી અને એયરફોર્સ છે. ઈરાનના વિરોધીઓ મુજબ IRGC વિદેશમાં તેના પ્રોક્સીઓને પૈસા, હથિયારો, ટેક્નોલોજી, ટ્રેનિંગ અને સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે IRGC માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં તેના ઓપરેશન ચલાવી રહી છે. IRGC પર યમન હુથી, હમાસ, હિઝબુલ્લાહ અને ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઈરાક વગેરેને મદદ કરવાનો આરોપ છે.
કેનેડિયન નાગરિકોને ચેતવણી
આ જાહેરાત બાદ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ચેતવણી આપી હતી કે ઈરાનમાં હાજર કેનેડિયનોને અટકાયતમાં લેવાનું જોખમ છે. તેમને કહ્યું, “જે લોકો હવે ઈરાનમાં છે, તેમના માટે ઘરે પાછા આવવાનો સમય આવી ગયો છે અને જેઓ ઈરાન જવાનું વિચારી રહ્યા છે, તેઓએ ન જવું જોઈએ.”


