પુરાણ અનુસાર વિશ્વામિત્ર ઋષિને મહાકાળી માતા સાક્ષાત્ પ્રસન્ન થયાં હતાં. ત્યારે આ મંદિર અહીં નિર્માણ થયું. મંદિરમાં માતાજીની નેત્ર-પ્રતિમા ઘણી વિશાળ છે. બે ફૂટની આ નેત્ર-પ્રતિમા સ્વયંભૂ છે તેમ ભાવિકો માને છે. માગશર વદ અમાવસ્યા–દર્શ અમાસનું અનેરું મહત્ત્વ છે. આ દિવસે પાવાગઢની યાત્રાનો મહિમા છે તેવી જ રીતે પોષ વદ અમાસ દર્શ-અમાસનું પણ મહત્ત્વ છે. આ દિવસે પાવાગઢની પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બાંધવા ભાવિક ભક્તોનો મહાસાગર છલકાય છે. માંચી, ચાંપાનેરની તળેટીથી આ યાત્રાનો શુભારંભ થાય છે. વહેલી સવા2થી જ યાત્રાના માર્ગમાં માતાજીના ગરબાની રમઝટ સાથે ભાવિક ભક્તો માતાજીની ધજા સાથે ગુલાલના ગુબ્બારા ઉડાડીને વાજતે-ગાજતે આ યાત્રા કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે.
હજારો વર્ષ પહેલાં થયેલા ધરતીકંપ અને જ્વાળામુખી ફાટવાના કારણે કાળા પથ્થરનો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેથી વધુ અંદર છે એટલે કે `પા’ ભાગ જ બહાર છે તેથી તેનું નામકરણ પણ `પા-વાગઢ’ પડ્યું. આ ડુંગર તેનું ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવે છે. ગુજરાતની ત્રણ મહાશક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં તે અનન્ય છે. સતી પાર્વતીના જમણા પગની આંગળી અહીં પડી હતી. શંકુ આકાર ધરાવતો આ ડુંગર હજારો વર્ષોથી મહાકાળીનું પવિત્ર યાત્રાધામ છે.
પાવાગઢની તળેટીમાંથી માંચી અને દુધિયું તળાવ એમ બે સ્થળે સમથળ ભૂમિ આવે છે. માંચીથી પાવાગઢ ચાર કિમી. છે. માંચીમાં ધર્મશાળાઓ હોટલ પણ છે. અહીંથી મંદિર સુધી ઉડનખટોલા રોપ-વૅની સગવડ છે. અશક્ત ભાવિકો તેમજ સહેલાણીઓ તેની સફર માણે છે. પગપાળા પણ મંદિર સુધી પહોંચવામાં અનેરો આનંદ છે. પ્રકૃતિનું સૌંદર્ય, પૌરાણિક ખંડેરો તેમજ રસ્તે છાશ-શરબત, નાસ્તો તેમજ ચાની મોજ માણતાં તમે દુધિયા તળાવ સુધી પહોંચી અહીં સ્નાન કરી પ્રસન્નતા અનુભવી શકો છો. અહીંથી માતાજીનાં દર્શન કરવા મંદિર સુધી પહોંચવા પગથિયાં છે. મંદિર મધ્યે મહાકાળીની સ્વયંભૂ નેત્ર પ્રતિભાનાં દર્શન થાય છે. આજે પણ ભવ્ય અને જાજરમાન મંદિરમાં દર્શનનો અનેરો લહાવો મળે છે. પૂર્વ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર માની પ્રતિમાઓ દર્શનીય છે. ત્રણેય દેવીઓની ઉપસ્થિતિમાં સહેલાણીઓ ભાવવિભોર બની ઊઠે છે.
મહાકાળી માતાની નેત્ર-પ્રતિમાના ઘુમ્મટ પર ધજા છે. આ પર્વતની ટોચ પરથી છાશિયું તળાવ દૃશ્યમાન થાય છે. શ્વેતછાંય ધરાવતું આ તળાવનું નૈસર્ગિક દૃશ્ય મનોહારી છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે પાવાગઢનો આ પર્વત અતિ પવિત્ર ધામ એટલે કે `સિદ્ધક્ષેત્ર’ તીર્થ તરીકે પુજાય છે, કારણ કે જે જે પવિત્ર સ્થળોએ તીર્થંકર ભગવાન, મુનિ મહારાજ, મહાન આચાર્યો, ઉપાદેવાયો કે ગણધર નિર્વાણ પામ્યા તે સઘળાં સ્થળ અતિ પવિત્ર તીર્થધામ બની રહ્યાં છે. અહીં પાવાગઢ શ્રી દિગમ્બર જૈન સંપ્રદાયનાં કુલ નવ મંદિર આ સિદ્ધ ક્ષેત્રમાં નિર્માણ પામેલાં છે. જેમાંનાં સાત મંદિરો પહાડની સૌથી ઊંચી મૌલિયા ટૂક પર નિર્માણ પામ્યાં છે. આ મંદિરોમાંથી ત્રણ મંદિર દુધિયા તળાવના કિનારે છે, દિગંબર જૈન મંદિર જે પાવાગઢનું સૌથી વિશાળ અને પ્રાચીન મંદિર છે. જેમાં મૂળ નાયક તરીકે સાતમા તીર્થંકર 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા પૂર્વાભિમુખ છે. મૂળ બાવન જિનાલયની બાંધણીનો આકાર ધરાવતું વર્ષોપુરાણું આ જિનાલય અનેક સમયે જિર્ણોદ્ધાર પામીને વર્તમાન સ્થિતિમાં દુધિયા તળાવે સ્થિત છે.
લવકુશની ચરણપાદુકાનું મંદિર-દેરી પણ છે. જેને ભગવાન રામચંદ્રજીના રાજકુમારો લવ અને કુશ યાને અનંગલવણ અને મદનકુશ દીક્ષા ગ્રહણ કરીને આ સ્થળે મોક્ષગતિને પામ્યા હોઈ તેમની ચરણપાદુકાઓને આ નાનકડા મંદિર દેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. તો અહીંની નવલખી ખીણની સૌંદર્ય છટા અનેરી છે. તેની ધાર પર નવલખા કોઠાર નામની પ્રાચીન ઇમારત છે જે વિશાળ ગુંબજ અને સાત ખંડોની બનેલી છે. જેમાં અખૂટ અનાજનો સંગ્રહ થતો હતો. તેની ઉત્તર તરફ ત્રણ કુંડ છે જે ગંગા, યમુના અને સરસ્વતીના નામે જાણીતા છે.
પાવાગઢ પર ભદ્રકાળી માતાના શિખર પર રાજા પતાઈનો મહેલ તેની જાહોજલાલીની યાદ સાથે ખંડેર હાલતમાં આજેય એકાંકી ઊભો છે. અહીંથી ભદ્રકાળી માતાના મંદિરે સુંદર પગદંડી પર સાત કમાનોની હારમાળા જોતાં યાત્રાળુઓને પુરાણા સમયની ઝાંખી થાય છે. તો અહીંના કિલ્લાથી બહારના ભાગમાં શ્વેતાંબર જૈન મંદિર પાસે ગેબનશાહ વાવ જે પ્રાચીન અવાવરું ઇમારત છે. તેમજ માંચીથી ઊતરતા ઉત્તર દિશાએ અહીંના તપસ્વી મહાકાળીના ભક્ત વિશ્વામિત્ર ઋષિની ગુફા તેમજ વિશ્વામિત્ર નામનું ઝરણું છે. જે નદી બનીને વહેતું વડોદરા સુધી આવે છે. સમયની સાથે વહેતી આ જળધારામાં કંઈકેટલાય અતીતના સમયખંડ વહેતા રહ્યા છે અને કેટલાય રાજાઓ અને સુલતાનોનાં નામ નેસ્તનાબૂદ થઇ સમયના પ્રવાહમાં વહી ગયાં છે, પરંતુ શાશ્વત છે મહાશક્તિ મહાકાળી જે સમયાતીત છે અને કાળની પણ પાર છે અને આપણાં સૌના હૃદયકમળમાં બિરાજમાન છે.