- અમેરિકામાં ક્રાઈમની ઘટનામાં વધારો
- સત્યેન નાયક નામના યુવાનની હત્યા
- હત્યારા અમેરિકને પોતે પણ કર્યો આપઘાત
અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જેના અનુસાર નવસારીના સોનવાડીના સત્યેન નાયકની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા મોટેલમાં રોકાયેલા અમેરિકને કરી હોવાનું સામે આવ્યું છે.
અમેરિકામાં હાલના દિવસોમાં ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ વિરુદ્ધ ક્રાઈમની ઘટનાઓમાં વધારો થતો જોવા મળ્યો છે. થોડા સમય પહેલા ગુજરાતના એક નિવૃત્ત પોલીસ અમલદારના પરિવારની તેમના જ દૌહિત્ર દ્વારા અમેરિકામાં હત્યા કરવામાં આવી હતી. જેના પછી હવે વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા થઈ હોવાની જાણકારી મળી છે. આ વખતે નવસારીના સોનવાડીના યુવાન સત્યેન નાયકની નોર્થ કેરોલિનાના ન્યુ પોર્ટમાં આવેલ મોટેલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે અમેરિકને સત્યેનની ગોળી મારીને હત્યા કરી તેણે તુરત જ પોતાના લમણે પણ બંદૂર રાખીને ગોળી મારીને ઘટનાસ્થળે આપઘાત કરી લીધો હતો.
આ મામલે વિશેષ માહિતી એવી છે કે સત્યેન નાયક અમેરિકામાં મોટેલિયર તરીકે કામ કરતા હતા. તેમની પોતાની મોટેલમાં તેઓ એક રૂમમાં જઈ રહ્યા હતા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ જણાયો હતો. આ મોટેલમાં એક અમેરિકન નાગરિક રોકાયો હતો. તેણે અંદરથી દરવાજો ખોલ્યો નહોતો. જેથી સત્યેન નાયકે પોતાની એક્સટ્રા ચાવી વડે રૂમનો દરવાજો ખોલ્યો હતો. સત્યેને રૂમનો દરવાજો ખોલતા જ અમેરિકન નાગરિકે સીધું સત્યેન પર ફાયરિંગ કર્યું હતું તેમાં સત્યેનનું મોત નિપજ્યું હતું. જો કે સત્યેનની હત્યા કર્યા બાદ અમેરિકને પોતાના લમણે બંદૂક તાકીને પોતે પણ આપઘાત કરી લીધો હતો.
આ હત્યા શા માટે કરવામાં આવી, તેની પાછળનું શું કારણ હતું, હત્યા કર્યા બાદ હત્યારો અમેરિકન ભાગી ન જતા પોતે ગોળી મારીને શા માટે આપઘાત કરી લીધો. આવા અનેક સવાલોના જવાબો હજુ સામે આવવાના બાકી છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ પણ જાણકારી સ્થાનિક તંત્ર કે પોલીસ તરફથી આપવામાં આવી નથી. જેથી આ મામલે અમેરિકન પોલીસ ટીમો અથવા સુરક્ષા એજન્સીઓની તપાસ પછી જ વધુ માહિતી સામે આવી શકે તેમ છે.


