સરકારી જમીનમાં 350 ઓરડીઓ અને હૉલ ચણી ‘કવાભાઈની શેરી’ બનાવી!
કરોડોની કાળી કમાણી છતાં શહેર ભાજપ અને તંત્ર સૂતું રહ્યું
તાજેતરમાં ગોકુળનગર આવાસ યોજનામાં દોષિત જાહેર થયેલા કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ભાઈની વધુ એક ગોલમાલ બહાર આવી છે. ગોલતરે સરકારી જમીન ઉપર અંદાજે 350 જેટલી ઓરડીઓ ચણી તેનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. આ ઓરડીઓ અને હૉલ વહેંચી ગોલતરે કરોડોની ગોલમાલ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જો કે આટલા મોટા પાયે ગોલમાલ ચાલતી હતી છતાં શહેર ભાજપ અને તંત્ર અંધારામાં રહે એ પણ એક આશ્ચર્યની વાત છે. કવા ગોલતરે આખે આખો સ્લમ વિસ્તાર બનાવી તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે તેણે એક બે કે દસ વીસ નહિ પણ સરકારી ખરાબામાં 350થી વધુ ઓરડી અને મોટો હોલ બનાવીને દર મહિને તોતિંગ ભાડું અને વેચાણ કરીને કરોડોની અસ્ક્યામતો ખડકી દીધી છે.
માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલી ઝૂંપડપટ્ટી કે જ્યાં રહેતા ગરીબોને આવાસ આપીને તે જગ્યા ખાલી કરાવી ત્યાં આઈકોનિક બ્રિજ બનાવવા મનપાએ પ્રોજેક્ટ મુક્યો છે. તેના જ ભાગરૂપે ગોકુલનગર આવાસ યોજના માટે સર્વે થયો હતો. તપાસમાં ખૂલ્યા મુજબ તળાવના કાંઠે મોટાભાગનું બાંધકામ કવા ગોલતરે કર્યું છે અને અંદાજે 350થી વધુ ઓરડીઓ ચણી છે. જે પૈકી 100થી વધુ ઓરડીઓ તેમણે 2થી 4 લાખ રૂપીયામાં વેચી નાખી છે જ્યારે બાકીની ઓરડીઓનું ભાડું મળે છે. છેલ્લા 10 વર્ષથી કવા ગોલતરની ગોલમાલ ચાલતી હતી પરંતુ શહેર ભાજપના નેતાઓ કે તંત્રના ધ્યાને આવી નથી.
મળતી માહિતી મુજબ ગોલતરે આ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. સરકારી ગેરકાયદે જમીન ઉપર કવાભાઈની શેરી ઊભી કરી છે. તેમજ 300 થી વધારે ઓરડીઓ બનાવી છે. તેમાંથી કરોડોની કમાણી કરી છે. મોટાભાગે પરપ્રાંતિઓને ઓરડીઓ વહેચતી અને ભાડે આપી છે. આ અંગે તપાસ થશે તો આખી ઝુંપડપતટ્ટીનું ડિમોલેશન કરવું પડશે.