- અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં વિદ્યાર્થિનીનું મોત
- ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો
- વિદ્યાર્થિની પેપર લખતા લખતા ક્લાસરૂમમાં ઢળી પડી
ગુજરાત રાજ્યમાં વધુ એક વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં હાર્ટ એટેક બાળકોનો કાળ બની રહ્યો છે. તેમાં અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં વિદ્યાર્થિનીનું મોત થતા ચકચાર મચી છે. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પેપર લખતા લખતા ક્લાસરૂમમાં ઢળી પડી હતી.
વિદ્યાર્થિનીનું ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ મોત
વિદ્યાર્થિનીનું ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ મોત થયું છે. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. જસદણ તાલુકાના વિછીયા ગામની સાક્ષી હરેશ ભાઈ રોજાસરા નામની ધોરણ નવની વિદ્યાર્થિનીનુ હાર્ટ એટેકથી મોત થયાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે. વિદ્યાર્થીના મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેમાં પરિક્ષા દરમિયાન વિદ્યાર્થિનીનુ મોત થતા શાળામાં શોકનો માહોલ છવાયો છે.
નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો વિશે જાણો
નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો વિશે ડોક્ટરોએ જણાવ્યું છે કે આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે છે. તેમજ યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.


