એડમિશનની સીઝનમાં અરજદારોની કતારો સર્જાતા ગ્રામ્ય પ્રાંતને દોડાવતા કલેકટર
માધ્યમીક શીક્ષણ બોર્ડના રિઝલ્ટ આવતા જ રાજકોટ શહેરમાં નોન ક્રીમીલેયર અને જાતિ અંગેના દાખલા કઢાવવા માટે બહુમાળી ભવનમાં ત્રણ બારીઓ કાર્યરત હોવા છતાં પણ ખુબ જ ધસારો રહેતા રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા અરજદારોની સુવિધા માટે વધારાની બારીઓ ખોલવામાં આવશે તેમજ વર્તમાન સુવિધા મામલે તપાસ કરવા જિલ્લા કલેકટરે ગ્રામ્ય પ્રાંતને દોડાવ્યા હોવાનું જાણવા મળે છે.
ધો.૧૦ અને ૧૨ના પરિણામો બાદ ઉચ્ચ અભ્યાસાર્થે નોન ક્રિમીનલ પ્રમાણપત્ર તેમજ જાતિ અંગેના દાખલા કઢાવવા માટે શહેરની ચાર મામલતદાર કચેરી અને બહુમાળી ભવન ખાતે વ્યવસ્થા હોવા છતાં પણ અરજદારોનો ધસારો વધુ પ્રમાણમાં રહેતા લોકોને ધોમધખતા તાપમાં કલાકો સુધી રાહ જોવી પડતી હોય વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતા આ ફરિયાદ છેક જિલ્લા કલેકટર સુધી પહોંચી છે, જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સમગ્ર મામલે ગ્રામ્ય પ્રાંત અધિકારીને બહુમાળીભવન ખાતે દોડાવી વધારાની બારી ખોલવા સહિતની વ્યવસ્થા ગોઠવવા જરૂરી સૂચના આપતા વધુ એક બારી શરૂ કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા અરજદારો માટે છાશ-પાણીની વ્યવસ્થા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર મેળવવા થોડા દિવસોથી કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપમા મસ મોટી લાંબી લાઈનો લાગે છે સત્તાધિશો દ્વારા છાયડાની અને પાણીની અપૂરતી સુવિધા હોય જે પગલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા જિલ્લા કલેકટર અને સમાજ કલ્યાણ અધિકારીને આ અંગે પ્રમાણપત્ર મેળવવામાં વિદ્યાર્થીઓને વાલીઓને થતી હાલાકી અંગે લેખિત રજૂઆત કરી અધિકારીને રૂબરૂમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા આજરોજ નોન ક્રિમિનલ પ્રમાણપત્ર મેળવવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આજના છાશના વિતરણ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની આગેવાની હેઠળ ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, ડી પી મકવાણા, દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા, ગૌરવભાઈ પુજારા, દિલીપભાઈ આસવાણી, કૃષ્ણદત રાવલ, જય કારીયા, અશોકસિંહ વાઘેલા, મેરૂનબેન કુરેશી, જીતુભાઈ ઠાકર, નાગજીભાઈ વિરાણી, અમિતભાઈ ઠાકર, સલીમભાઈ કારિયાણી, મનોજભાઈ શુક્લ, ગોપાલભાઈ મારવીયા, હરેશભાઈ પરમાર, મયુરભાઈ શાહ, ગોપાલભાઈ મોરવાડિયા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગ્રેસના આગેવાનોએ છાશ વિતરણ વ્યવસ્થામાં જહેમત ઉઠાવી હતી.


