- રાજકોટમાં મહિલાની સુરક્ષા જોખમમાં
- પોલીસને સીધો પડકાર આપી રહ્યા છે ગુનેગાર
- અસામાજિક તત્વોનો વધી રહ્યો છે આતંક
રાજકોટ શહેરની સ્વચ્છ અને સેફ સીટીની ઈમેજને કલંકિત કરી નાખે તેવી ઘટના સામે આવી છે. હકીકતે અડધી રાત્રે એક પરિણીતા અને તેની દીકરીને અસામાજિક તત્વોએ હેરાન કરી અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોએ માઝા મૂકી છે. આ તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી તેમ તેઓ વર્તી રહ્યા છે અને કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી રહ્યા છે. તેઓ જાણે કે પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતે આ ઘટનામાં એક પરિણીત મહિલાની અને તેની દીકરીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગતો પ્રમાણે એક 30 વર્ષીય પરિણીતા પોતાની આઠ વર્ષીય દીકરી સાથે મોટર સાયકલમાં બેસીને હોટલથી ઘરે જઈ રહી હતી. તે દરમિયાન અજાણ્યા મોટરસાયકલ ચાલકે રવિવારની રાતે 12:30 વાગ્યાના આસપાસ ફરિયાદી મહિલાની આઠ વર્ષીય દીકરી પાસે રહેલો આઈફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ ફરિયાદી મહિલાના ગળા રહેલો સોનાનો હાર પણ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ચેઇન હાથમાં ન આવતા અંતે શખ્સે ફરિયાદી મહિલાના છાતીના ભાગે અડપલા કર્યા હતા. આ ઘટના પછી મહિલા ગભરાઈ ગઈ હતી જો કે અંતે તેણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અજાણ્યા મોટર સાઈકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવડાવી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, 15 ઓક્ટોબર 2023ના રોજ રાત્રિના દીકરીનું સ્કૂલનું ફંક્શન પૂરું થયા બાદ બધા મિત્રો સદ્ગુરુ તીર્થધામ રોડ પર આવેલી અંજલિ હોટલમાં જમવા માટે ગયા હતા, જયાંથી પરવારીને રાત્રેના 12:30 વાગ્યાના આસપાસ ફરિયાદી મહિલા અને તેમની પુત્રી મોટર સાયકલમાં બેસીને ઘરે પરત જવા માટે નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બનવા પામી હતી. આરોપીએ પહેલા મોબાઈલ અને પછી ચેઈન સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો અને છેલ્લે અડપલાં પણ કર્યા હતા. ગાંધીગ્રામ પોલીસે પણ આ મામલે મહિલાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.