- દેવભૂમિ હિમાચલ પ્રદેશથી રામ ભક્તો સાથે ટ્રેન રવાના થઈ હતી
- ઉના જિલ્લાના અંબ અંદૌરા રેલ્વે સ્ટેશનથી ટ્રેન ફ્લેગ ઓફ કરાઈ
- ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદીએ અયોધ્યા રેલ્વે સ્ટેશનું ઉદ્ઘાટન કર્યુ
અયોધ્યા રામ મંદિરની 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માટે રામ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશથી અનેક રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન કરવા જઈ રહ્યાં છે ત્યારે હિમાચલ પ્રદેશના નાગરિકો માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે વહેલી સવારે અંદૌરાથી અયોધ્યા ધામ સુધી ચલાવવામાં આવનાર ‘આસ્થા વિશેષ ટ્રેન’ને લીલી ઝંડી આપી છે.
દેવભૂમિથી પ્રથમ ટ્રેન રામ ભક્તોના સમૂહ સાથે અયોધ્યા ધામ રવાના
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હિમાચલ પ્રદેશની દેવભૂમિથી પ્રથમ ટ્રેન રામ ભક્તોના સમૂહ સાથે અયોધ્યા ધામ માટે રવાના થઈ છે. વધુમાં ઠાકુરે કહ્યું, “વર્ષોનું સ્વપ્ન સાકાર થયું છે કારણ કે હવે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની દેવભૂમિથી અયોધ્યા ધામ સુધીની પ્રથમ ટ્રેન રામ ભક્તોના જૂથો સાથે રવાના થઈ છે. ટ્રેન વિશે તેમણે કહ્યું કે, મને ખુશી છે કે આ ટ્રેન હમીરપુર લોકસભા મતવિસ્તારના ઉના જિલ્લાના અંબ અંદૌરા રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. તે ઉનાથી અનંતપુર સાહબ – અંબાલા સુધીની મુસાફરી કરશે અને અયોધ્યા ધામ અને રામ સુધી પહોંચશે. ભક્તોને ભગવાન રામ લલ્લાના દર્શન કરવાની તક મળશે.
વડાપ્રધાન મોદી 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવ્યાં
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર માટે વડાપ્રધાનનો આભાર માનતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ રામ ભક્તો અને દેશની મોટી જીત છે. હું કહેવા માંગુ છું કે, વડાપ્રધાન મોદીએ 500 વર્ષની લાંબી પ્રતિક્ષાનો અંત લાવ્યા છે. આ રામભક્તો અને દેશ માટે એક મોટી જીત છે. દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાની લાગણી વધી છે.
ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદીએ અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યુ
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડાપ્રધાન મોદીના 11 દિવસના ‘અનુષ્ઠાન’ વિશે ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ભગવાન રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના પ્રસંગે 11 દિવસ સુધી તપસ્યા કરી હતી. ડિસેમ્બરની શરૂઆતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા પછી મંદિરના શહેર અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.


