વ્રતધારી માટે ભજનો ઉપદેશાત્મક, આદેશાત્મક અને પ્રેરણાત્મક હોવાં જોઈએ. મનને બહેકાવે કે બહેલાવે એવાં ગીતો કે ભજનો વ્રતીએ વર્જ્ય ગણવાં
હે અપરા નામ રાજેન્દ્ર, અપાર ફલદાયિની।
લોકે પ્રસિદ્ધતાં યાતિ, અપરાં યસ્તુ સેવતે॥
ધર્મનંદન! વૈશાખ વદ અગિયારશનું નામ `અપરા’ એકાદશી છે. અપરા એકાદશી અપાર ફળ પ્રદાન કરનારી છે. આ દિવસે ઉપવાસ કરનાર સમગ્ર સમાજમાં લબ્ધપ્રતિષ્ઠિત ગણાય છે. તેમના ઉપર શ્રીહરિ વિષ્ણુની કૃપા થાય છે.
અપરા એકાદશી વ્રત કરવાથી અપાર (અનેક) પાપથી મુક્ત થઈ મનુષ્ય ઈશ્વરકૃપાએ દેવલોકમાં જાય છે. આ વ્રત કરનારે ભક્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ ચાર મુક્તિનાં સાધન છે. એમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે.
પોતાના ઈષ્ટ દેવનાં નામ, ગણ, રૂપ, શક્તિ, સામર્થ્ય અને પ્રભાવ એનું મનન કરવામાં મન ઈન્દ્રિયોની સ્વાભાવિક તલ્લીનતા એ જ `ભક્તિ’ છે. આત્મતત્ત્વનું ચિંતન એ ભક્તિ છે. એકાદશીના દિવસે માત્ર જાગરણ કરવું, તાળી પાડવી, વાજિંત્રો સહિત ભજન-કીર્તન કરવાં કે સુંદર રાગે તાલબદ્ધ ગાવું એ ભક્તિ નથી.
જીવનના અંતિમ ધ્યેયને સમજાવે એ ભજન છે. જીવન માટે સારરૂપ અને અસારરૂપ શું છે એ સમજાવે તે ભજન છે. ચિરંજીવ શાંતિ, સુખ અને આનંદના માર્ગે વાળે એ ભજન છે. વ્રતધારી માટે ભજનો ઉપદેશાત્મક, આદેશાત્મક અને પ્રેરણાત્મક હોવાં જોઈએ. મનને બહેકાવે કે બહેલાવે એવાં ગીતો કે ભજનો વ્રતીએ વર્જ્ય ગણવાં. આવાં ગીતો કે ભજનો મનને શાંતિ અને સ્થિરતા આપી શકતાં નથી. પ્રેરણાત્મક, હૃદયસ્પર્શી, ભાવસભર ભજનો મનને સ્થિર, શાંત અને આત્મા સાથે જોડાયેલું રાખે છે.
મનને સ્થિર, શાંત અને મનનશીલ કરે એનું નામ ભક્તિ. આવી ભક્તિ જ વ્રતધારીને શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. વ્રત વિશે શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. શ્રદ્ધા એ વ્રતીનું મોટામાં મોટું બળ છે, મોટી શક્તિ છે. શ્રદ્ધા એ મનની શક્તિ છે, હૃદયની ભાવના છે. શ્રદ્ધા એ ભક્તિનું પ્રેરકબળ છે, વ્રતધારીએ આગળ વધવાનું સાધન અને વાહન છે. શ્રદ્ધા વિના ભક્તિ નહીં અને ભક્તિ વિના શ્રદ્ધા નહીં.
આ પ્રકારની શ્રદ્ધા એ ધ્યાનનું પ્રેરકબળ છે. ભક્તિ અને શ્રદ્ધાની પૂર્વભૂમિકા વિના ધ્યાન થઈ શકતું નથી, કારણ કે ધ્યાન એક અંતરયાત્રા છે, એકાગ્રતા છે, એક લક્ષ્યતા છે, ધ્યાન એ મનને મહાન અને શક્તિશાળી બનાવવાનું સાધન છે. ભક્તિ અને શ્રદ્ધા એ ધ્યાનની પૂર્વભૂમિકા છે.
ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત કરનાર અપરા એકાદશીના પ્રભાવથી ઉત્તમ ગતિને પામે છે. આ વ્રત કરનારનો જન્મારો ફોગટ જતો નથી. દિવસે ઉપવાસ કરી, ઈષ્ટદેવની પૂજા કરવી જેથી સર્વ પાપ નષ્ટ થાય છે.