સમાધાન સમારોહમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ૨૦૦૦થી વધુ રાજપૂત-ક્ષત્રિય આગેવાનીની હાજરી, રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી માંગી, સામે આગેવાનોએ પણ બે હાથ ઉંચા કરી રૂપાલાની માફીના વધામણા કર્યા
ભવિષ્યમાં પણ જો ક્ષત્રિય સમાજને કંઇ રંજ રહી ગયો હોય તેવુ લાગે તો સમાજ જે રીતે કહે એ રીતે માફી માગવા તૈયાર રહીશ : રૂપાલા
સમાધાન સંમેલનમાં ઢોલ-નગારા સાથે રૂપાલાને આવકારી અપુષ્પહાર પહેરાવાયા
કેન્દ્રિય મંત્રી અને લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે તિરાડ પડી છે તે સાંધવા માટે ગોંડલના સેમડા ખાતે ગણેશગઢ ફાર્મ હાઉસમાં ગઈકાલે શુક્રવારે સાંજે જયરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર, કચ્છના (સમગ્ર ગુજરાતના નહિ) ક્ષત્રિય સમાજના આગેવાનોનું એક સંમેલન બોલાવ્યુ હતુ. તેમા પરષોતમ રૂપાલા પણ હાજર રહ્યા હતા અને વધુ એકવખત તેમનાથી ક્ષત્રિય સમાજને જે ઠેંસ પહોચતુ વિવાદી વિધાન બોલાઇ ગયુ હતુ તેના બદલ જાહેર મંચ પરથી બેહાથ જોડીને માફી માગી હતી. સાથે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે, ક્ષત્રિય સમાજને સંતોષ થાય અને એ જે રીતે કહે એ રીતે માફી માગવા તૈયાર છું. મારાથી જે બોલાઇ ગયુ તેનાથી ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનો મારો લેશમાત્ર આશય ન હતો.
જેમની અધ્યક્ષતામાં ક્ષત્રિય આગેવાનોનું સંમેલન બોલાવવામા આવ્યુ હતુ તેવા ગોંડલના જયરાજસિંહ જાડેજાએ પોતાના વક્તવ્યમાં રાજપૂતોને ક્ષાત્રિય ધર્મની “ક્ષમા વિરસ્ય ભૂષણમ”ની યાદ અપાવી અને ઉપસ્થિત અંદાજે 1500થી વધુ આગેવાનોને રૂપાલાનો સાથ આપવા, હાથ ઊંચા કરી માફ કરવા જણાવ્યું હતું, જેનો સ્વીકાર કરતા તમામે તમામ ઉપસ્થિતોએ પોતાના બંને હાથ ઊચા કર્યા હતા. પરસોતમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મારા એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ પ્રગટ થયો છે. મારી એવી કોઈ ભાવના ન હતી. મેં ક્ષત્રિય સમાજને એમ પણ કહ્યું છે કે મારે આવું લખવું જોઈએ કે મારે આવું બોલવું જોઈએ તે મને લખીને મોકલો તો એ પણ બોલીને હું માફી માંગીશ. ક્ષત્રિય સમાજ જે રીતે કહે એ રીતે માફી માગવા તૈયાર છું. વધુમાં રૂપાલાએ કહ્યુ હતુ કે, અત્યારે હું અહીંયા જયરાજસિંહને ત્યાં આવ્યો છું. અહીંયા હું પહોંચું તે પહેલાંની મારી મનોસ્થિતિ અલગ હતી. પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોય તેવી રીતે ઢોલ નગારાથી મારું સ્વાગત કરવામાં આવ્યું તેમ કહીને રૂપાલાએ ક્ષત્રિય સમાજના ભરપેટ વખાણ કર્યા હતા. ત્યારબાદ તમામ મંચસ્થ મહાનુભાવોને યાદ કર્યા હતા. આ દરમિયાન તેઓ જણાવ્યું હતું કે, મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. મારા નિવેદનથી મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો અને આમ મારા માટે નહીં પરંતુ મારી પાર્ટીને સાંભળવાનું થયું તે કારણે ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડીને માફી માગું છું અને આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને તેનો જવાબદાર હું એકલો જ છું. જે કંઈ સહન કરવાનું આવે તેનો જવાબદાર હું એકલો જ છું. આપ તમામ મારા સમર્થનમાં આવ્યા છો તે તમામ ક્ષત્રિય આગેવાનોનો હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારા તેમજ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તમામ ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કરું છું; આમ કહી રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રિય ઉપસ્થિત ક્ષત્રિય આગેવાનોની માફી માગી હતી. આ સમારોહ પૂરો થયા બાદ પરસોત્તમ રૂપાલા, રામભાઇ મોકરિયા, ભરત બોઘરા અને ખુદ જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ગધેથડ આશ્રમે લાલબાપુના દર્શન કરી આશીર્વાદ લેવા ગયા હતા.
સંમેલનમાં સાંસદ અને વાંકાનેરના રાજવી કૈસરીદેવસિંહ, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ લોધિકા સંઘના નરેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા(લીંબડી), કનકસિંહ જાડેજા(પાચિયાવદર), સહદેવસિંહ જાડેજા(ભુણાવા), રમજુભા જાડેજા(ગોંડલ), જયરાજસિંહના ભાઇ હરદેવસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા(ભૂમિ ગ્રુપ), મહેન્દ્રસિંહ સરવૈયા(પાલીતાણા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બધાનું હિત જળવાઇ રહે, બધાનું સારુ થાય તેવા પ્રયત્ન કરીશ : લાલદાસબાપુ
સમગ્ર ક્ષત્રિય સમાજ ગધેથડ આશ્રમના લાલદાસબાપુમાં અપાર શ્રધ્ધા ધરાવે છે. લાલદાસબાપુના આદેશને શિરોમાન્ય રાખે છે. ત્યારે પરષોતમ રૂપાલા ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્ર ગધેથડ આશ્રમે શિશ ઝૂકાવવા ગયા હતા. જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં ક્ષત્રિય સંમેલન પુરું થયા બાદ પરષોતમ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરિયા, ડો.ભરત બોઘરા અને જયરાજસિંહ જાડેજા સહિતના ગધેથડ ગયા હતા. જ્યા “લાલદાસબાપુના આર્શવાદ લીધા હતા. લાલદાસબાપુએ રૂપાલા સહિતના આગેવાનને કહ્યુ હતુ કે, હું સમાજને સમાજાવવા પ્રયત્ન કરીશ, બધાનું હિત જળવાઇ રહે, બધાનું સારૂ થાય તેવો પ્રયત્ન કરીશ. માતાજી સૌની આર્શિવાદ આપે”
ક્ષત્રિય મહિલાઓને સેમળા ગામમાં પ્રવેશ ન અપાયો, હાઇ-વે પર જ પોલીસ કાફલો
ક્ષત્રીયાણીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલા સામે રાજપૂત સમાજના મહિલાઓમાં જબ્બર આક્રોશ છે. આથી અમદાવાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોની રાજપુત મહિલાઓ જયરાજસિંહના સેમડા ગામે આવેલા ગણેશગઢ ફાર્મ હાઉસમાં પહોંચવા માટે નીકળ્યા હતા. જોકે હાઇ-વે પર ગામના પાટીયા પાસે જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી રાજપૂત મહિલાઓને ગામમાં પ્રવેશ અપાયો ન હતો. આથી ઉપરોક્ત સમાધાન સંમેલનમાં કોઈપણ રાજપૂત મહિલાઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા.
વિક્રાંત જહાજમાં શિવાજી મહારાજના સૈન્યનો સિમ્બોલ પીએમ મોદી જ લગાવી શકે: રૂપાલા
ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજ માટે કરેલા કાર્યોની યાદ અપાવતા રૂપાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 75 વર્ષથી ભારતીય નૌકાદળમાં બ્રિટિશરોએ અપનાવેલો સિમ્બોલ જ ફરકાવવામાં આવતો હતો, પરંતુ નૌકાદળના સંપૂર્ણપણે સ્વદેશી એવા વિક્રાંત નામના જહાજમાં વડાપ્રધાન મોદીએ બ્રિટીશરોની ગુલામીના પ્રતિક એવા એ સિમ્બોલને હટાવીને છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં ઉપયોગમાં લેવાતા સિમ્બોલને સ્થાન આપ્યું જે વડાપ્રધાન ફેરફાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે. આમ કહી રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને કેટલું સન્માન છે તે જણાવ્યું હતું.
સંમેલનનો વિરોધ કરનારા જયરાજસિંહ જાડેજાની ખુલ્લી ચેલેન્જ
ગણેશગઢમાં ક્ષત્રિય સમાજે પરસોતમ રૂપાલાના સમર્થનમાં આયોજિત કરેલા સમાધાન બેઠકમાં જયરાજસિંહ જાડેજા ખુલ્લી ચેતવણી આપીને જણાવ્યું હતું કે આ સંમેલનમાં ઉપસ્થિત ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને આપેલી માફી જેઓને મંજૂર ન હોય તેઓ મને જણાવી શકે છે. તેઓ જણાવશે ત્યારે, જણાવશે તે સમયે, જણાવશે તે સ્થળે હું જવા માટે તૈયાર છું, પણ સમાજના બે ફાંટા પડાવવાનો કોઈ પ્રયાસ કરશે તો તેને સાંખી લેવામાં નહીં આવે. જયરાજસિંહ જાડેજાના વક્તવ્યનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જોવાઈ રહ્યો છે અને ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


