રાજકોટના બળા બજરંગ ગ્રુપ, કનૈયા, ભગવા રક્ષક, કરણી સેના, માલધારી સમાજ સહિત વિવિધ સંગઠને ન્યાયિક દેખાવા સાથે કલેકટરને આપ્યુ આવેદન
સમગ્ર દેશને હચમચાવી નાખતા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના હત્યાકાંડમાં અત્યાર સુધી પકડાયેલા પાપીઓ મનપા અને પોલીસ તંત્રના અધિકારીઓ જ છે. રાજકીય મગરમચ્છો હજુ આબાદ ફરી રહ્યા છે. બીજીબાજુ જે આરોપીઓ પકડાયા છે તેની સામે પણ સીટની રચના કરી તપાસના નાટકો જ થઇ રહ્યા હોય તેવુ લાગે છે. હત્યાકાંડમાં જીવતા ભુંજાયેલા મૃતકો અને તેના પરિવારને ન્યાય મળે, આરોપીઓની બેનામી સંપતિ મૃતકના પરિવારજનોને મળે તેવી માગણી સાથે શહેરના વિવિધ સંગઠનોએ ન્યાયિક દેખાવો કર્યો હતો. ન્યાયના દેવીની પ્રતિમા સાથે કલેકટર કચેરીએ સુત્રોચ્ચાર કર્યા હતા. ન્યાયના દેવીને એવી વિનંતી કરી હતી કે, આંખથી પટ્ટી કાઢીને હત્યાકાંડના આરોપીઓને કડકમાં કડક સજા કરો.
શહેરના બળા બજરંગ ગ્રુપ(રામનાથપરા), કનૈયા ગ્રુપ(બેડીપરા), ભગવા રક્ષક ગ્રુપ, કરણી સેના અને માલધારી સમાજના આગેવાનો ન્યાયની દેવીની પ્રતિમા લઇને કલેકટરને આવેદન આપવા ગયા હતા. આવેદનમાં જણાવ્યા મુજબ ટીઆરપી હત્યાકાંડના આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઇએ. જીવે ત્યા સુધી કેદ અથવા તો ફાંસીની સજા મળવી જોઇએ. ભવિષ્યમાં ભ્રષ્ટાચાર માટે કોઇનો જીવ લેતા પહેલા ૧૦૦ વખત વિચાર કરે. ઘટનાની તપાસ નિષ્ઠાવાન અધિકારીઓને સોંપવામા આવે. તેમા કોઇ રાજકીય નેતાના ચહેરા પરથી નકાબ ઉતરે તો તેની સામે પણ કડક સજા થવી જોઇએ. આ ઘટનામાં રાજકીય મોટા માથાઓ પણ કસુરવાન છે જ. તેના નામ જાહેર કરવામા આવે. વધુમાં પકડાયેલા આરોપીઓની સંપતિ જપ્ત કરી મૃતકના પીડિત પરિવારને આપવામા આવે.