ચારેય ફ્લોરમાં એક-એક ઓબ્ઝર્વર તૈનાત રહેશે, આગામી સપ્તાહે સ્ટાફનું રેન્ડમાઈઝેશન
રાજકોટની લોકસભા બેઠકની આગામી ચાર જૂને કાલાવડ રોડ ઉપર આવેલ કણકોટ એન્જિનિયરીંગ કોલેજમાં મત ગણતરી થનાર હોય કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકોટ બેઠક માટે વધુ ત્રણ જનરલ ઓબ્ઝર્વરની નિમણૂંક કરી છે. આ ત્રણેય ઓબ્ઝર્વર આગામી બે જૂને રાજકોટ આવી પહોચનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના સિનિયર આઈએએસ અધિકારી ડો.પૃથ્વીરાજની નિમણૂંક કરવામાં આવી છે. મત ગણતરીમાં તેઓ ઉપરાંત વધારાના ત્રણ સહિત કુલ ચાર જનરલ ઓબ્ઝર્વરના હુકમ કરવામાં આવ્યા છે.ચૂંટણી શાખાના સુત્રોના જણાવ્યા મુજબ કણકોટ એન્જિનિયરીંગ કોલેજના ચારેય ફલોર ઉપર એક-એક ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવશે.
આગામી ચાર જૂને સૌ પ્રથમ વખત ચાર ઓબ્ઝર્વર મત ગણતરી કેન્દ્રમાં ફરજ બજાવશે. મત ગણતરીના દિવસે સૌ પ્રથમ ૧૮,૦૦૦ બેલેટ પેપરની ગણના કરવામાં આવશે. ત્યાર બાદ ઈવીએમ-વીવીપેટની ગણતરી કરવામાં આવશે. ૭ રાઉન્ડમાં ૧૪ ટેબલ ઉપર ગણતરી કરવા માટે ૧૦૦૦ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. આ માટે આગામી સપ્તાહે સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવશે. અત્યારે સાતેય વિધાનસભાના એઆરઓ પાસેથી સ્ટાફનું લીસ્ટ માંગવામાં આવ્યું છે.જ્યારે રાજકીય પક્ષો દ્વારા મત ગણતરી માટે એજન્ટોની નિમણૂંક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


