- પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં બે શીખ વકીલની જજ તરીકે નિયુક્તિમાં વિલંબ
- ગુજરાતના 4 જજિસની ટ્રાન્સફર શા માટે કરવામાં આવી નથી?: SC ખંડપીઠ
- ભૂતકાળના મુદ્દાઓને હાલના પેન્ડિંગ કેસો સાથે ન જોડવા સુપ્રીમ નું સૂચન
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિમાં સરકાર દ્વારા કરવામાં આવતા વિલંબનાં મામલે સોમવારે સુપ્રીમ કોર્ટે ફરી સરકાર સામે બાંયો ચઢાવી છે. જજિસની નિયુક્તિ માટે સરકારનાં પીક એન્ડ ચૂઝ વલણ સામે દેશની સર્વોચ્ચ અદાલતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં બે શીખ વકીલની જજ તરીકે નિયુક્તિમાં વિલંબ મુદ્દે સરકારની આકરી ટીકા કરીને સખત ઝાટકણી કાઢવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટનાં કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી નામની દરખાસ્તોને સ્વીકારવામાં સરકાર પીક એન્ડ ચૂઝનું વલણ અપનાવી રહી છે. સુપ્રીમ કોર્ટે સરકારનાં આવા વલણ સામે નારાજગી દર્શાવી છે. કોર્ટે કહ્યું છે કે કોલેજિયમે ભલામણ કરેલા બે ઉમેદવારોનાં નામ સરકારે મંજૂર કર્યા નથી. બંને શીખ છે. આવો પ્રશ્ન શા માટે ઊભો કરાયો? ભૂતકાળનાં મુદ્દાઓને હાલનાં પેન્ડિંગ કેસો સાથે જોડો નહીં. તેમ સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું હતું. કોર્ટે કહ્યું કે સરકારનું આ પ્રકારનું વલણ જજોની સિનિયોરિટી માટે સમસ્યાઓ ઊભી કરે છે. જે જજિસની ટ્રાન્સફર અને નિયુક્તિ માટે સારા સંકેતો આપતા નથી. કૌલે કહ્યું કે મેં આ અગાઉ પણ જજિસની ટ્રાન્સફરના મામલે સિલેક્ટિવ એપ્રોચ નહીં રાખવા તાકીદ કરી હતી.
ગુજરાતના 4 જજને શા માટે ટ્રાન્સફર કરાયા નથી?
જસ્ટિસ કૌલે સરકારને અણિયાળો સવાલ કર્યો હતો કે 6 જજિસની ટ્રાન્સફર પેન્ડિંગ છે જેમાં અલ્હાબાદ અને દિલ્હીની હાઈકોર્ટના 1-1 જજ અને ગુજરાતના 4 જજની ટ્રાન્સફર પેન્ડિંગ છે. કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવેલી ટ્રાન્સફરમાંથી ગુજરાતના તમામ 4 જજિસની ટ્રાન્સફર કરવામાં આવી નથી. તમે ટ્રાન્સફર નહીં કરીને કેવા સંકેતો આપવા માંગો છો? જવાબમાં એટર્ની જનરલ આર. વેન્કટરમણીએ કહ્યું હતું કે ચૂંટણીને કારણે તેમજ મારી પોતાની સ્થિતિને કારણે તેમાં વિલંબ થયો છે. મેં જણાવ્યું છે કે આ કાર્ય પૂરું કરવામાં આવશે. તે પછી જસ્ટિસ કૌલે કહ્યું કે કોલેજિયમ દ્વારા 14 જજિસની નિયુક્તિની ભલામણ કરવામાં આવી હતી. ગુવાહાટી હાઈકોર્ટમાં એક જજની નિયુક્તિ કરાઈ છે. જ્યારે સરકાર દ્વારા પસંદગીના ધોરણે નિયુક્તિ કરવામાં આવે ત્યારે જજો તેમની સિનિયોરિટી ગુમાવી દે છે. આવા સંજોગોમાં લોકો ન્યાયાધીશ બનવા શા માટે સંમતિ આપે? આ વખતે સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ કહ્યું હતું કે ગુવાહાટી હાઈકોર્ટના મામલામાં જ્યાં સુધી સિનિયર્સની પેન્ડિંગ એપોઈન્ટમેન્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી પોતાની નિયુક્તિ માટે સંમતિ આપવા જજિસ અને વકીલોએ ઈનકાર કર્યો હતો.
સિનિયોરિટીની મુશ્કેલી થાય છે
સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલે સુનાવણી દરમિયાન કહ્યું કે સરકારના આવા વલણને કારણે જજની અંદર સિનિયોરિટીની મુશ્કેલી ઉભી થશે.આ કોઈ સારા સંકેત નથી. અગાઉની સુનાવણી દરમિયાન પણ મેં કહ્યું હતું કે પસંદગીની બદલી કરશો નહી. આટલા વખતથી આ બદલીઓ પેન્ડિંગ રાખવાની શું જરૂર છે. જ્યારે પસંદગીની નિમણૂક કરવામાં આવે છે ત્યારે સિનિયોરિટીની મુશ્કેલી ઊભી થતી હોવાથી શા માટે કોઈ જજ બનવાનું પસંદ કરે ? અમે મંજૂર કરેલા નામમાંથી 50 ટકા નામ પણ સરકાર દ્વારા મંજૂર કરાયા નથી. આથી સમગ્ર સમીકરણ ખોરવાઈ જાય છે.
શું છે મામલો ?
બેંગલુરુ એડવોકેટ્સ એસોસીએશન દ્વારા કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણોને મંજૂરી આપવાના મુદ્દે ૨૦૨1ના ચુકાદા મુજબ કોર્ટ દ્વારા નિયત કરાયેલી સમયમર્યાદાનું પાલન નહીં કરવા માટે કેન્દ્રના કાયદા મંત્રાલય સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.


