- આ જમીનનો કોઇપણ નોંધ વગરનો 7/12 જોતા અધિકારીઓ સ્તબ્ધ
- સ્વામિનારાયણ મંદિર(જૂના મૂળીવાળા) નામ કેવી રીતે દાખલ થયું?
- કોઇ નોંધ કે વિગત વગરનો પહેલી વખત 7/12 જોયો તપાસ કરાવીશુ
ધ્રાંગધ્રાની મલ્ટી હોસ્પીટલનું ગેરકાયદે બાંધકામ નગરપાલિકાએ બંધ કરાવ્યા બાદ સંસ્કારધામ ગુરૂકુળ પહેલા મૂળી તાબામાં હતુ એ સ્વામીનારાયણ મંદિર (જુના મૂળીવાળા) નામનો કોઇ પણ નોંધ કે વિગત વગરનો 7-12 સામે આવતા આખી મામલતદાર ઓફીસ ગોથે ચડી છે કે આ પાનીયુ બન્યુ કેવી રીતે આમ 7-12 માં પણ અનેક વિસંગતતા જોતા માત્ર કબ્જો રાખવા માટે કૌભાંડ આચર્યાની આશંકા સેવાઇ રહી છે.
ધ્રાંગધ્રામાં 1557 ટાવર્સની શહેરની ફરતે સરકારી મોટી મોટી જમીનો પડેલી છે. જેમાં અનેક લોકોએ ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે.ત્યારે આ 1557ની જમીનમાંથી જ સંસ્કારધામ ગુરૂકુળને 5500 ચો.મી. જમીન મલ્ટી સ્પેશ્યીયાલીટી હોસ્પિટલ માટે ફાળવાઇ હતી. સાથે બીજી બે જમીન પણ ફાળવાઇ છે.પરંતુ આ જમીન ગ્રીન ઝોનમાં હોવાના કારણે પાલિકાએ મંજૂરી વગરનું બાંધકામ બંધ કરાવી દીધુ છે. અગાઉ આ ગુરૂકુળ મુળી સ્વામીનારાયણ મંદિરના તાબામાં હતુ. પરંતુ કોઇ બાબતે એમાંથી છુટુ પડી ગયુ હતુ. એવામાં હાલ સ્વામીનારાયણ મંદિર(જુના મુળીવાળા) નામનો 22157 ચો.મી.(14 વીઘા) જમીનનો 7-12 કોઇ પણ નોંધ કે વિગત વગરનો અને એ પણ વિસંગતતાવાળો અધિકારીઓ સમક્ષ રજૂ કરી આ મંદિરના નામે કઇ નોંધથી 7-12 આવ્યો એ બાબતે તપાસ કરાવતા ધ્રાંગધ્રા આખી મામલતદાર ઓફીસ ગોથે ચડી ગઇ હતી. સરકારે રાજ્યભરની જમીનનું આખુ રેકર્ડ ઓનલાઇન ચડાવી દીધુ હોવા છતાંય અધિકારીઓએ ઓનલાઇન તપાસ કરાવતા જમીનની કોઇ જ વિગત નહી મળી આવતા એમના માટે પણ મુળ સુધી જઇ તપાસ કરવી જરૂરી બની ગયુ છે. બીજી તરફ પહેલા આ સંસ્થા મુળી તાબામાં હોવાના કારણે 7-12ના નામના આધારે માપવાળી જમીનનો કબ્જો કદાચ એમની પાસે હોઇ શકે છે. હવે આ ફળઝાડ માટે ભાડા પટે દર્શાવેલી જગ્યાના રેકર્ડની તપાસ કરાવ્યા બાદ આ જમીનનું મોટાપાયે કૌભાંડ સામે આવી શકે છે. પ્રાથમિક દ્રષ્ટીએ કોઇના ઇશારે તલાટીએ જે તે સમયે પાનીયુ ચડાવી દીધુ હોવાની આશંકા સેવાઇ રહી છે.
જમીનના મેન્યુઅલ રેકર્ડની પણ તપાસ થશે ડેપ્યુટી કલેકટર
ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યએ જણાવેલ કે કયાંથી આ જમીનના 7/12માં મંદિરનું નામ ચડયુ એવી કોઇ નોંધ કે વિગત વગરનો 7/12 પહેલી વખત જોયો. આ ગંભીર બાબત છે આ જમીનના મેન્યુઅલ રેકર્ડની પણ તપાસ કરાવીશું કારણ ફળઝાડ માટે ની જમીન પણ 15 વર્ષે રીન્યુ કરાવવી પડતી હોય છે.


