- શ્વાનના હુમલામાં 5 વર્ષીય બાળક ઘાયલ
- મોડાસાની બાગે નિશત સોસાયટીની ઘટના
- બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં રખડતાં ઢોર અને રખડતાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે જેને લઈને હાઇકોર્ટમાં અનેક અરજીઓ પણ કરવામાં આવી છે. અને હાઇકોર્ટની ટકોર બાદ વહીવટી તંત્ર કાર્યવાહી પણ કરી રહ્યું છે. તેમ છતાં સ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે. ત્યારે હવે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ફરી એકવાર શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં એક 5 વર્ષીય બાળક ઇજાગ્રસ્ત થયું છે.
મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. મોડાસાની બાગે નિશત સોસાયટીમાં 5 વર્ષના બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. શેરીમાં રમી રહેલા માસૂમ બાળક પર અચાનક શ્વાને હુમલો કરીને બાળકના ગાલ પર બચકાં ભર્યા હતા. જેને લીધે બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
શ્વાનના હુમલા બાદ કેટલાંક સ્થાનિકોએ બાળકને શ્વાનના મો માંથી છોડાવીને ઇજાગ્રસ્ત માસૂમને સારવાર માટે ખસેડ્યો હતો. હાલ, ઇજાગ્રસ્ત બાળકને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ વિસ્તારમાં 10 થી વધુ બાળકો રખડતાં શ્વાનનો ભોગ બન્યા હતા. જેને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી છે. હવે રખડતા શ્વાન બાબતે પાલિકા કાર્યવાહી કરે એ ખૂબ જ જરૂરી બની ગયું છે.


