મનપામાં બોગસ સર્ટીના આધારે રાજીનામા મંજૂર થયાનો વિવાદનો મામલો
અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
નકલી પ્રમાણપત્રના આધારે ખેલ ખેલાયો હોવાનો કામદાર યુનિયન દ્વારા આક્ષેપ : ફરીથી ઊંડાણપૂર્વક તપાસ કરવા મુખ્યમંત્રી સુધી ફરિયાદ : ટીબીનો દર્દી ડાન્સ કરતો હોવાના પ્રમુખના આક્ષેપથી ખળભળાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાપાલિકામાં સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવાની પ્રક્રિયા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જેમાં મેડિકલ સર્ટિફિકેટના આધારે શારીરિક રીતે અક્ષમ ગણાવીને મંજૂર કરવામાં આવેલા 136 રાજીનામાઓ સામે રાજકોટ કામદાર યુનિયને આક્રમક વલણ અપનાવ્યું છે. મનપા દ્વારા અનફિટ જાહેર સફાઈ કામદારનાં ડાન્સિંગ વિડીયો વાયરલ થયા છે. જેને લઈને કામદાર યુનિયને બોગસ મેડિકલ સર્ટીનાં આધારે રાજીનામાં મંજુર થયાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. અને યુનિયને આખી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપ સાથે મ્યુ. કમિશ્નર તેમજ વહીવટદાર સહિત છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરીને મંજુર થયેલા તમામ રાજીનામાં મુદ્દે ફરી ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. જોકે સમગ્ર મામલે જેના ઉપર આરોપ છે તે ખુશાલ વાઘેલાએ પોતે વર્ષોથી ટીબીનાં દર્દી હોવાનો અને દવાઓ તેમજ પંપનાં આધારે જીવતા હોવાનો બચાવ કરી પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કાયમી સફાઈ કામદારોના વારસદારોને નોકરીમાં સમાવવા માટે ‘સ્વૈચ્છિક રાજીનામા’ની યાદી જાહેર કરવામાં આવી હતી. નિયમ મુજબ, જો કોઈ સફાઈ કામદાર શારીરિક રીતે કામ કરવા માટે સક્ષમ ન હોય (મેડિકલી અનફિટ), તો તે પોતાના વારસદારને નોકરી સોંપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. આ પ્રક્રિયા હેઠળ કુલ 206 કામદારોએ અરજી કરી હતી, જેમાંથી 136 સફાઈ કામદારોના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે 70 જેટલા કેસો નામંજૂર થયા છે.
રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું હતું કે, જે 136 રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે, તેમાં અનેક એવા કામદારો છે જે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ખુશાલ શાંતિલાલ વાઘેલા નામના સફાઈ કામદાર ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આ એ જ સફાઈ કામદાર છે જેણે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને પોતે શારીરિક રીતે અક્ષમ હોવાનું જણાવી રાજીનામું મંજૂર કરાવ્યું છે. મારો સવાલ છે કે, જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે એટલી હદે અક્ષમ હોય કે તે કચરો ન વાળી શકે, તો તે આટલો ઉત્સાહથી ડાન્સ કેવી રીતે કરી શકે છે ? આ સફાઈ કામદાર દ્વારા આપવામાં આવેલું રાજીનામુ અગાઉ નામંજૂર થયું હતું. પણ તાજેતરમાં અચાનક મંજુર કરી દેવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકામાં 2021થી આ પ્રક્રિયા અટવાયેલી હતી. તાજરતારમાં યાદી જાહેર કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે સેટિંગ દેખાઈ રહ્યું છે. જેઓ ખરેખર બીમાર છે અને લાકડીના ટેકે ચાલે છે, તેવા 70 જેટલા કામદારોના રાજીનામા નામંજૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, જે હૃષ્ટ-પુષ્ટ છે અને ડાન્સ કરી રહ્યા છે, તેમના રાજીનામા મંજૂર કરી દેવાયા છે. આ બાબત સૂચવે છે કે નાણાકીય વ્યવહાર કરી કોઈ બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે આ ખેલ ખેલાયો છે.
યુનિયન દ્વારા આ મામલે મ્યુ. કમિશનર, વહીવટદાર રેમ્યાબેન મોહન અને રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અમારી સ્પષ્ટ માંગ છે કે, મંજૂર થયેલા તમામ 136 કેસોની નિષ્પક્ષ અને ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે. જેમાં તમામ સફાઈ કામદારોના મેડિકલ સર્ટિફિકેટની ફરી તપાસ કરવામાં આવે, જરૂર પડે તો અન્ય હોસ્પિટલમાં રી-ચેકઅપ કરાવવામાં આવે. એટલું જ નહીં બોગસ સર્ટિફિકેટ આપનાર ડોક્ટરો અને ગેરરીતિમાં સંડોવાયેલા મનપાના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. જો અમારી માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.


