- DSP દલબીર સિંહ દેઓલનો મૃતદેહ બસ્તી બાવા ખેલ કેનાલ પાસે મળ્યો
- થોડા સમય પહેલા જલંધરના એક ગામમાં ડીએસપી દલબીરનો થયો હતો વિવાદ
- આ દરમિયાન તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યુ હતુ
પંજાબના જલંધરના સંગરુરમાં તહેનાત ડીએસપીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સોમવારે DSP દલબીર સિંહ દેઓલનો મૃતદેહ બસ્તી બાવા ખેલ કેનાલ પાસે રોડ પર પડેલો મળ્યો હતો. થોડા સમય પહેલા જલંધરના એક ગામમાં ડીએસપી દલબીરનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ચલાવી હતી. પરંતુ બીજા દિવસે તેમણે ગ્રામજનો સાથે સમાધાન કર્યું હતુ.
મૃતદેહ ડીએસપી દલબીરનો છે
એડીસીપી બલવિંદર સિંહ રંધાવાએ જણાવ્યું કે અમને કોઈએ ફોન કરીને જાણ કરી હતી કે બસ્તી બાવા ખેલ પાસે કોઈનો મૃતદેહ પડ્યો છે. જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે મૃતદેહ ડીએસપી દલબીરનો છે. જેઓ સંગરુરમાં તૈનાત હતા. તેમના માથામાં ઈજા થઈ હતી. પંજાબ પોલીસ શરૂઆતમાં તેને માર્ગ અકસ્માત માની રહી હતી પરંતુ પોસ્ટમોર્ટમમાં ડીએસપીના ગળામાં એક ગોળી ફસાયેલી જોવા મળી હતી. ઘટના બાદ ડીએસપીની સર્વિસ પિસ્તોલ પણ ગાયબ છે.
પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે
ડીએસપીના મિત્રોના જણાવ્યા મુજબ 31મી ડિસેમ્બરની રાત્રે ન્યૂ યર પાર્ટી બાદ તે ડીએસપીને બસ સ્ટેન્ડ પાછળ છોડીને ગયો હતો. ઘટના સમયે ડીએસપી સાથે તેમના ગાર્ડ હાજર ન હતા. પંજાબ પોલીસ બસ સ્ટેન્ડની આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. આ મામલે ડીએસપીના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી ડીએસપીના મોતને લગતો કોઈ પુરાવો મળી શકે.
પરિવારે ફરિયાદ નોંધાવી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, જે રોડ પર દલબીર સિંહનો મૃતદેહ મળ્યો હતો તે તેના કપુરથલા ગામ તરફ જાય છે. ઘટના સ્થળ તેમના ગામથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. પોલીસે જણાવ્યું કે દલબીર સિંહના પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડીએસપી ગયા મહિને જલંધરમાં અન્ય વિસ્તારના લોકો સાથે લડાઈમાં સામેલ હતા. જોકે, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં આ અંગે કોઈ કેસ નોંધાયો ન હતો.
વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને 2000માં અર્જુન એવોર્ડ જીત્યો
દલબીર સિંહ દેઓલે એશિયન ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2000માં તેમને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


