- સર્પદંશ નિયંત્રણ અને નિવારણ અંગે મેડિકલ ઓફિસરોને ખાસ તાલીમ
- જુદા જુદા ઝેરી અને બિન ઝેરી સાપોની ઓળખ આપવામાં આવી હતી
- કેન્દ્રો અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના તબીબોને તાલીમ આપવામાં આવી હતી
આણંદ સ્થિત જિલ્લા પંચાયત ભવનની આરોગ્ય શાખા દ્ધારા સર્પદંશ અંગે નિયંત્રણ અને નિવારણ તાલીમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના તમામ પ્રાથમિક તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસરોને સર્પદંશ અંગે તથા નિયંત્રણ અને નિવારણની તાલીમ આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે સાપ કરડયા બાદ દર્દીને વહેલી સારવાર મળે તો તેનું મૃત્યુ થતું અટકાવી શકાય છે. આ તાલીમમાં જુદા જુદા ઝેરી અને બિન ઝેરી સાપોની ઓળખ આપવામાં આવી હતી. સાપ ક્યારે કરડે અને દર્દીને તરત સારવાર આપી શકાય તે માટે શું કરવું તેમજ સાપ કરડયા બાદ સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આણંદ જિલ્લામાં દર વર્ષે આશરે 200 જેટલા સાપ કરડવાના કેસો નોંધાય છે. આ તાલીમથી સારવારમાં ગુણવત્તા આવે અને મરણનું પ્રમાણ ઘટે તે માટે તમામ પ્રાથમિક તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના તબીબોને તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સરદાર પટેલ મિટીંગ હોલમાં ર્ડા. ધીરૂભાઈ સી. પટેલ (સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટયૂટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, ધરમપુર) દ્ધારા આ તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપેડેમિક ઓફિસરે હાજર રહીને સૌને માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.


