વિશ્વભરમાં એવા પ્રચલિત બાંધકામ, ઈમારતો અને શિલ્પો છે જેને જોઇને સૌથી પહેલો વિચાર એ જ આવે કે શું તે સમયમાં આધુનિક સાધનો વગર આવું બાંધકામ શક્ય છે! આ બાંધકામ, ઈમારતો અને શિલ્પોમાં મિસ્રના પિરામિડો, ચીનની દીવાલ જેવા બાંધકામ, ઈમારતો અને શિલ્પોનો સમાવેશ થાય છે, પરંતુ ભારતમાં પણ આવા વિશાળ અકલ્પનિય બાંધકામ, ઈમારતો અને શિલ્પો ઉપરાંત મંદિરો બનાવવામાં આવ્યા હતા જે વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવા છે. આવા આશ્ચર્યજનક બાંધકામ, ઈમારતો અને શિલ્પોમાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ)જિલ્લામાં આવેલા ઈલોરાની ગુફામાં આવેલા કૈલાસ મંદિરનો પહેલી હરોળના પ્રાચીન મંદિરોમાં સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર(ઔરંગાબાદ) જિલ્લામાં ઈલોરાની ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં એક મંદિર આવ્યું છે જેને કૈલાસ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મૂળ આ મંદિરને ઈલોરાના કૈલાસ મંદિર તરીકે વધુ ઓળખવામાં આવે છે! 276 ફૂટ લાંબા અને 154 ફૂટ પહોળા આ મંદિરની વિશેષતા એ છે કે, આ મંદિર બનાવવા માટે કોઇ અલગ-અલગ પથ્થરનો ઉપયોગ નહીં, પણ માત્ર એક જ મોટા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે મંદિર બનાવવા માટે એક જ મોટા પથ્થરને કંડારવામાં આવ્યો છે!
જો મંદિર એટલું વિશાળ છે કે, આ મંદિરમાં બેથી ત્રણ માળની બિલ્ડિંગ પણ સમાઇ જાય!
એક રિપોર્ટના પ્રમાણે આ મંદિરના નિર્માણ માટે અંદાજીત 40,000 ટન વજન સુધીના પથ્થરને કંડારવામાં આવ્યા હતા. મૂળ આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે. આ મંદિરને હિમાલયના કૈલાસની જેમ બનાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, કારણ કે આ મંદિર બનાવનાર રાજાનું સ્પષ્ટપણે માનવું હતું કે જો કોઇ શ્રદ્ધાળુઓ હિમાલયના કૈલાસના દર્શન ન કરી શકે તો તે અહીં આવીને ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી શકે! ભગવાન શિવજીના આ મંદિરને કલાત્મક મંદિર બનાવવા માટે દ્રવિડ શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કૈલાસ મંદિરનો ઈતિહાસ
કૈલાસ મંદિર સદીઓ જૂનું છે. આ મંદિરનો ઉલ્લેખ ઘણાં પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, આ મંદિરનો ઉલ્લેખ 10મી સદીમાં લખવામાં આવેલી પુસ્તક `કથા કલ્પતરુ’માં કરવામાં આવ્યો હતો. જેમાં એક લોકકથા દર્શાવવામાં આવી હતી. આ લોકકથા પ્રમાણે 8મી સદીમાં રાષ્ટ્રકૂટ રાજવંશના રાજા એલુની રાણીએ પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી ભગવાન શિવજીનું ભવ્યાતિભવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી તે અન્ન ગ્રહણ નહીં કરે. વધુમાં રાણીને સપનામાં જે રીતનું મંદિરનું શિખર દેખાયું હતું તે રીતનું જ શિખર બનાવું હતું જે કંઇક અંશે મુશ્કેલ હતું.
રાણીને સપનામાં દેખાયેલું અદ્દલ મંદિર જ બનાવવું હતું. હવે રાજા થોડાંક મૂંઝાયા અને તેમણે અનેક શિલ્પકારોને બોલાવ્યા હતા, પરંતુ કોઇ શિલ્પકાર રાણીના મત મુજબનું મંદિર બનાવવા અસમર્થ રહ્યા હતાં. જોકે, અંતે પૈંઠણમાંથી કોકાસા નામના એક શિલ્પકારે આ મંદિર બનાવવાની તૈયારી દર્શાવી અને મંદિર નિર્માણ માટે પથ્થરને ઉપરની તરફથી કંડારીને નીચેની તરફ કંડારીને મંદિર બનાવવાની રજૂઆત કરી. અલબત્ત એક રીતે એકમાત્ર પથ્થરથી આ મંદિર બનાવવાનું શક્ય પણ બન્યું.
નોંધનીય છે કે, 8મી સદીમાં રાષ્ટ્રકુટના વંશના રાજા કૃષ્ણા-પ્રથમના સમયમાં આ કૈલાસ મંદિરના કાર્યનો શુભારંભ થયો. ઈ.સ. 753માં બાદામી વંશના ચાલુક્યા શાસકોને હરાવીને જ રાષ્ટ્રકૂટ વંશે દખ્ખણમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેમણે કર્ણાટકના ગુલબર્ગા શહેરને પોતાની રાજધાની બનાવી હતી. તેથી જ કૈલાસ મંદિરમાં દ્રવિડ કલા એટલેકે દક્ષિણ ભારતના મંદિરોના જેવી જ શિલ્પકારી જોવા મળે છે. વધુમાં આ મંદિરને લઇને એમ પણ માનવામાં આવે છે કે, મંદિર નિર્માણ કાર્યમાં ચાલુક્ય અને પલ્લવ કલાકારોનું પણ વિશેષ યોગદાન રહ્યું હતું. ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ઈ.સ. 753થી લઇને 773 સુધી શાસનકર્તા કૃષ્ણા-પ્રથમના સમયથી જ આ મંદિરના મુખ્ય ભાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
મંદિર નિર્માણ
ઉપર જણાવ્યા મુજબ આ કૈસાશ મંદિર અંદાજિત 276 ફૂટ લાંબા અને 154 ફૂટ પહોળાઇ ધરાવતા પથ્થરોને કંડારીને બનાવવામાં આવ્યું હતું. તેમજ મંદિર નિર્માણ માટે કંડારવામાં આવેલા પથ્થરોનું વજન અંદાજિત 40,000 ટનની અાસપાસનું માનવામાં આવે છે. એટલે કે ઉપરથી નીચેની તરફ મંદિર કંડારતી વખતે જે પથ્થર કોતરવામાં આવ્યા હતા તેનું વજન 40,000 ટનની આસપાસ રહ્યું હતું. કૈલાસ મંદિરને કોતરતા મંદિર અંદાજિત 90 ફૂટની ઊંચાઇ ધરાવતું બન્યુ હતું. કૈલાસ મંદિરને તૈયાર થવામાં લગભગ 150 વર્ષનો સમય લાગ્યો હતો અને તેમાં સાત હજાર કરતા પણ વધુ મજૂરો રોકવામાં આવ્યા હતા. આ મંદિરની કોતરણી ખૂબ જ સુંદર છે. મંદિરમાં કોતરણી ઉપરાંત અન્ય મૂર્તિઓ પણ કલાત્મક રીતે કંડારવામાં આવી છે.
કેવી રીતે પહોંચશો?
કૈલાસ મંદિર પહોંચવા માટે ફ્લાઇટ, ટ્રેન, બસ કે ખાનગી વાહનથી આવી શકાય છે. જો તમે અહીં વિમાન માર્ગે આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ છત્રપતિ સંભાજી નગર(ઔરંગાબાદ) છે. જ્યાંથી કૈલાસ મંદિર આશરે 35 કિ.મી. દૂર છે. એરપોર્ટ બાદ તમે ખાનગી કે સરકારી બસ કે વાહન દ્વારા અહીં પહોંચી શકો છો. જો તમે ટ્રેન દ્વારા અહીં પહોંચવા માંગતા હોવ તો છત્રપતિ સંભાજી નગર(ઔરંગાબાદ) રેલ્વે સ્ટેશન મુંબઇ અને પુણેથી સારી રીતે જોડાયેલો છે. જલગાંવ રેલ્વે સ્ટેશન ઇલોરાથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. અહીંથી ખાનગી અને સરકારી વાહનો પણ કૈલાસ મંદિર સુધી જતા હોય છે. જો તમે સડક માર્ગથી કૈલાસ મંદિર જવા માંગતા હોવ તો છત્રપતિ સંભાજી નગર(ઔરંગાબાદ) અંજતાથી 100 કિ.મી. અને ઈલોરાથી 30 કિ.મી.ના અંતરે છે. અંજતા ઈલોરાની ગુફાઓ સુધી પહોંચવા માટે ખાનગી અને સરકારી પરિવહનના વાહનો ઉપલ્બધ છે.