જોતમે એમ કહો કે: `મારે ઊર્જા કેવી રીતે બચાવવી?’ તો તમે ધારણાનું માળખું રચો છો. તેને કેવી રીતે બચાવવી અને ત્યારબાદ તમે તમારા જીવનને તે માળખાને અનુરૂપ કરવા પ્રયત્ન કરો છો; તેથી ફરી ત્યાં વિરોધાભાસની શરૂઆત થાય છે, પરંતુ જો તમે જાતે જ એ સમજો કે જ્યાં તમારી ઊર્જા વેડફાય છે, એ ઊર્જાને વેડફતું મુખ્ય પરિબળ સંઘર્ષ છે – કે જેને સમસ્યા નડે છે અને તેનો ઉકેલ ક્યારેય મળતો નથી, જે પસાર થઈ ગયું છે એવું કાંઈક કે જે તેની મૃત યાદ સાથે જીવે છે, પરંપરામાં જીવે છે. આપણે ઊર્જાના આ વ્યયને સમજવો જ રહ્યો અને ઊર્જાના આ વ્યયની સમજણ શંકર, બુદ્ધ કે કોઈ સંતના મત મુજબ નહીં, પરંતુ પોતાના જીવનના રોજિંદા સંઘર્ષમાં તેનું ખરેખર નિરીક્ષણ કરી એ સમજણ મેળવવી રહી. આમ, ઊર્જાના વ્યયનું મહત્ત્વનું પાસું સંઘર્ષ છે – તેનો અર્થ એવો નથી થતો કે તમે બેઠા રહો અને આળસુ બની જાઓ. જ્યાં સુધી હકીકત કરતાં (અમૂર્ત) વિચાર કે કલ્પનાનું વધારે મહત્ત્વ રહેશે ત્યાં સુધી સંઘર્ષ કાયમ રહેશે જ.
જ્યાં વિરોધાભાસ હોય ત્યાં સંઘર્ષ હોય જ
તમે જુઓ છો કે આપણામાંના મોટાભાગના લોકો સંઘર્ષ કરતા હોય છે, તેઓ વિરોધાભાસભર્યું જીવન જીવતા હોય છે, માત્ર બ્રાહ્યપણે જ નહીં, આંતરિકપણે પણ. વિરોધાભાસ પ્રયત્ન સૂચવે છે. જ્યાં પ્રયત્ન છે ત્યાં બગાડ છે, વ્યય છે, ત્યાં ઊર્જાનો વ્યય છે. જ્યાં વિરોધાભાસ હોય ત્યાં સંઘર્ષ હોય જ. જ્યાં સંઘર્ષ હોય ત્યાં તે સંઘર્ષમાંથી બહાર નીકળવાનું હોય, તે પણ બીજા સ્વરૂપનો પ્રતિકાર છે, વિરોધ છે અને જ્યાં તમે પ્રતિકાર કરો ત્યાં એક ચોક્કસ પ્રકારની ઊર્જા ઉદ્ભવે છે. જ્યારે તમે કોઈ વસ્તુનો પ્રતિકાર કરો છો ત્યારે એ પ્રતિકાર જ એક ઊર્જા ઉત્પન્ન કરે છે જે તમે જાણો છો. બધી જ ક્રિયા આ `મારે કરવું જોઈએ’, `મારે ન કરવું જોઈએ’ જેવા ઘર્ષણ ઉપર આધારિત હોય છે અને પ્રતિકારનું આ સ્વરૂપ, સંઘર્ષનું આ સ્વરૂપ ઊર્જા ઉત્પન્ન કરે છે, પરંતુ તે ઊર્જા, જો તમે બહુ જ નજીકથી નિરીક્ષણ કરશો તો જણાશે કે, તે બહુ વિનાશક છે; તે સર્જનાત્મક નથી. મોટા ભાગના લોકો વિરોધાભાસમાં જીવે છે અને જો તેમને કુદરતી બક્ષિશ મળી હોય તો-લખવાની પ્રતિભા, ચિત્ર દોરવાની અથવા આ કે તે કરવાની ક્ષમતા હોય તો વિરોધાભાસની આ તાણ તેમને અભિવ્યક્તિની, સર્જન કરવાની, લખવાની કે કાંઈક બનવાની ઊર્જા આપે છે. આ તાણ જેટલી વધારે, સંઘર્ષ એટલો જ વધારે, તેની પરિણતિ પણ તેટલી વધારે અને તેને આપણે સર્જન કહીએ છીએ, પરંતુ તે સર્જન કહેવાય જ નહીં. તે સંઘર્ષનું પરિણામ છે. તમે સંઘર્ષમાં છો અથવા તમે વિરોધાભાસમાં જીવો છો એ હકીકતને સ્વીકારવામાં એવી ગુણવત્તાવાળી ઊર્જા પ્રગટે છે કે જે પ્રતિકારથી ઉત્પન્ન થયેલી ઊર્જા નથી.