- સર્પદંશથી થતાં મૃત્યુ અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તામીલ
- ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ પણ કરાવાઈ
- ડો.ડી.સી.પટેલે સર્પદંશની જાગૃતિ અને સારવાર પર અંગે માર્ગદર્શન
ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્પદંશ નિવારણ અને સારવારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકાના આરોગ્ય કેન્દ્રના અધિક્ષકો તથા તબીબી અધિકારીઓ મળી કુલ 45 જેટલાને તાલીમ આપવામાં આવી હતી. ગ્રામ્ય લેવલે સર્પદંશથી થતા મૃત્યને અટકાવવા માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો. ડી. સી. પટેલે સર્પદંશની જાગૃતિ અને સારવાર પર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સર્પદંશ સારવાર અને શિક્ષણ સંસ્થાના સંસ્થાપક ડો. પ્રિયંકા કદમે ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ અને સાપ કરડે તો આપવાની પ્રાથમિક સારવાર વિશે જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી આ તાલીમનું આયોજન કરાયું હતું. ગુજરાત સહિત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વ ચાર ઝેરી સાપ કારણરૂપ હોય છે. જેમાં ઈન્ડિયન કોબ્રા, કાળોતરો, ખડચિતરો અને કૂરસોનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઈન્ટેલિજન્સના ડેટા પ્રમાણે દેશમાં 2016થી 2020 સુધીમાં સર્પદંશની કુલ 7,97,013 કેસ છે. આ સમયગાળા દરમિયાન મૃત્યુના કેસોની કુલ સંખ્યા 5,343 છે.સર્પદંશના દર્દીઓ માટે જાગૃતિના અભાવે સામાન્ય રીતે અનુસરવામાં આવતી કેટલીક પદ્ધતિઓ વિકલાંગતા અને મૃત્ય તરફ દોરી જાય છે.


