- હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ યથાવત
- હમાસે ગાઝામાં યુદ્ધવિરામ ફરજિયાત ગણાવ્યો
- અત્યાર સુધીમાં 19,000થી વધુ પેલેસ્ટિનિયનોના મોત
હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવા માટે કતારની મધ્યસ્થી વાટાઘાટો ફરી એકવાર શરૂ થઈ છે. ઇઝરાયલે વાતચીત શરૂ થવાની પુષ્ટિ કરી છે. આ સાથે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં વિજય સુધી યુદ્ધ ચાલુ રાખવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે જીત બાદ ઈઝરાયલી દળો ગાઝામાંથી હટી જશે, પરંતુ ત્યાંની સુરક્ષા વ્યવસ્થા ઈઝરાયેલના નિયંત્રણમાં રહેશે.
બંધકોને મુક્ત કરવા પ્રયાસ
બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલમાં જાહેર દબાણ વધી રહ્યું હતું અને શુક્રવારે ગાઝામાં ઇઝરાયલી સૈનિકોના ગોળીબારમાં ત્રણ બંધકોના મોત બાદ બંધકોની મુક્તિ માટે સરકાર પર પ્રયાસો કરવાનું દબાણ વધી ગયું હતું. આ પછી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના ડાયરેક્ટર ડેવિડ બાર્નિયાએ કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે મુલાકાત કરી. આ વખતે ઈઝરાયેલની પહેલ પર વાતચીત થઈ રહી છે, જ્યારે નવેમ્બરના યુદ્ધવિરામ પહેલા હમાસ અને કતાર અને ઈજીપ્ત દ્વારા મધ્યસ્થી તરીકે પહેલ કરવામાં આવી હતી. વાટાઘાટોના નવીનતમ રાઉન્ડની શરૂઆત પછી, હમાસે કહ્યું, અમારી પહેલી શરત એ છે કે ગાઝામાં નાગરિકો પર ઈઝરાયેલના હુમલાઓ બંધ કરો.
હમાસની કસ્ટડીમાં કેટલા ઇઝરાયેલી બંધકો છે?
ઉલ્લેખનીય છે કે હમાસની કસ્ટડીમાં હજુ પણ 130 જેટલા ઈઝરાયેલના બંધકો છે. બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ માટેની વાટાઘાટો વચ્ચે ગાઝામાં ઇઝરાયેલી દળો અને હમાસ વચ્ચે લડાઈ ચાલુ છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં 19,000 થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે, જ્યારે 121 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે. 7 ઓક્ટોબરથી ચાલી રહેલી લડાઈમાં ગાઝા પટ્ટીમાં 23 લાખની વસ્તી ધરાવતા 85 ટકા લોકો બેઘર થઈ ગયા છે. લગભગ 20 લાખ લોકો તેમના જીવન બચાવવા માટે તેમના ઘરો નાશ પામ્યા પછી અસ્થાયી આશ્રયસ્થાનોમાં રહેવા માટે મજબૂર છે. ગાઝામાં ઠંડી શરૂ થઈ ગઈ છે અને લાખો લોકો ખોરાક અને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.


