– ચોમાસુ પૂરું થવા સાથે બાંધકામ પ્રવૃત્તિ ફરી વેગવાન બનતા માગમાં વૃદ્ધિ
– ફલેટ સ્ટીલના ઓકટોબર ડિલિવરી માટેના ભાવમાં પ્રતિ ટન રૂ. ૨૦૦૦ સુધીનો વધારો
Updated: Oct 13th, 2023
મુંબઈ : કાચા માલના ભાવમાં વધારા ઉપરાંત ઘરેલું બજારમાં મજબૂત માગને પરિણામે સ્ટીલના ભાવમાં તાજેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. ફલેટ સ્ટીલના ઓકટોબર ડિલિવરી માટેના ભાવમાં પ્રતિ ટન રૂપિયા ૭૦૦થી રૂપિયા ૨૦૦૦નો વધારો થયો છે જ્યારે લોન્ગ સ્ટીલના ભાવ સપ્ટેમ્બરના અંતમાં પ્રતિ ટન રૂપિયા ૧૫૦૦ જેટલા વધી ગયાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
સ્ટીલના હાજર ભાવ પણ ઊંચા કવોટ કરાઈ રહ્યા છે. હોટ રોલ્ડ કોઈલના ભાવ જે સપ્ટેમ્બરના અંતે પ્રતિ ટન રૂપિયા ૫૭૯૦૦ બોલાતા હતા તે હાલમાં રૂપિયા ૫૮૯૦૦ આસપાસ હોલાઈ રહ્યા છે. લોન્ગ પ્રોડકટસના ભાવ જે સપ્ટેમ્બરમાં પ્રતિ ટન રૂપિયા ૫૬૭૪૦ બોલાતા હતા તે પણ વધીને રૂપિયા ૫૮૦૦૦ આસપાસ કવોટ કરાઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી કાચા માલના ભાવમાં વધારો ઉપરાંત ચોમાસાની ઋતુ પૂરી થવા સાથે બાંધકામ ખાસ કરીને માળખાકીય ક્ષેત્રે પ્રવૃત્તિ ફરી વધવા સાથે સ્ટીલના વિવિધ પ્રોડકટસની માગ વધવા લાગી છે.
આયર્ન ઓર તથા કોકિંગ કોલના ભાવમાં પણ વધારા થયા છે.જે સ્ટીલ ઉત્પાદનના મુખ્ય કાચા માલ છે. ઘરઆંગણે મજબૂત માગને કારણે સ્ટીલ ઉત્પાદકો કાચા માલના ભાવમાં વધારાને ગ્રાહકો પર પસાર કરી રહ્યા છે.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ભારતના ક્રુડ સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૪.૭૦ ટકા વધી ૬.૯૬ કરોડ ટન રહ્યું હોવાનું તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું. ગયા નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં આ આંક ૬.૧૦ કરોડ ટન રહ્યો હતો એમ સ્ટીલમિન્ટ ઈન્ડિયાના આંકડા જણાવે છે.
સ્ટીલ માટેની માગ વધવા સાથે દેશના સ્ટીલ ઉત્પાદકો દ્વારા ક્ષમતામાં વધારાની સાથોસાથ ક્ષમતા ઉપયોગીતામાં પણ વધારો કરાઈ રહ્યો છે.