– વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં વૈશ્વિક ખાદ્યતેલો વધ્યાના નિર્દેશો
– કપાસીયા તેલમાં પણ સૌરાષ્ટ્ર પાછળ ભાવ ઉંચકાયા
Updated: Oct 15th, 2023
મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ શાંત હતા જ્યારે આયાતી ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉછળતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. અમેરિકાના કૃષીબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૧૦૧ પોઈન્ટ વધ્યાના સમાચાર હતા. દરમિયાન, ઘરઆંગણે સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ જાતવાર રૂ.૧૪૭૫થી ૧૫૫૦ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૮૨૦થી ૮૨૫ રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૫૦ના મથાળે શાંત હતા જ્યારે કપાસીયા તેલના ભાવ વધી રૂ.૮૯૫રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ વધી રૂ.૮૨૩ રહ્યા હતા. રૂ.૮૨૨થી ૮૨૩માં છૂટાછવાયા વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૭૮૫ બોલાતા થયા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૮૪૫ તથા રિફાઈન્ડના રૂ.૯૦૦ રહ્યા હતા જ્યારે સનફલાવર ભાવ વધી રૂ.૮૧૫ તથા રિફાઈન્ડના રૂ.૮૯૦ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૨૦ વધી રૂ.૧૦૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧૦૫૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ત્રણ રૂપિયા ઉંચકાયા હતા. જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૫ વધ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ જોકે એરંડા ખોળના રૂ.૧૦૦ ઘટયા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૨૫૦ નરમ હતા.
સિંગખોળના ભાવ ટનના રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૮૬૦ તથા સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૮૭૫ અને પામતેલના ભાવ રૂ.૮૧૫ રહ્યા હતા. હઝીરા ખાતે ૨૫ ઓક્ટોબર સુધીના ભાવ સોયાતેલ રિફાઈન્ડના રૂ.૮૯૦ રહ્યા હતા. મુંદ્રા- હઝીરા ખાતે ૨૫ ઓક્ટોબર સુધીના ભાવ પામતેલના રૂ.૮૩૦થી ૮૪૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૮૯૫થી ૯૦૫ રહ્યા હતા.
મસ્ટર્ડ- સરસવની આવકો આજે રાજસ્થાનમાં ઘટી ૧ લાખ ૫૦ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ઘટી અઢી લાખ ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૨૫ વધી રૂ.૫૯૨૫થી ૫૯૫૦ રહ્યા હતા.નવી મુંબઈ બંદરે યુક્રેન સનફલાવરના ભાવ રૂ.૮૩૫ જ્યારે કંડલા ખાતે સોયાતેલ ડિગમના ભાવ રૂ.૮૪૦ રહ્યા હતા. અમેરીકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૯૬ પોઈન્ટ ઘટયા હતા જ્યારે ત્યાં સોયાખોળના ભાવ ૨૯ પોઈન્ટ નરમ રહ્યા હતા.
સરકારે આયાતી ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં ઘટાડો કર્યાના સમાચાર હતા તથા તેના પગલે આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવી ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ક્રૂડ પામ ઓઈલની ટનદીઠ રૂ.૨૩થી ૨૪ જેટલી ઘટી છે જ્યારે આરબીડી પામની રૂ.૨૪૨થી ૨૪૩ જેટલી તથા સોયાતેલની રૂ.૧૮૦થી ૧૮૧ જેટલી ઘટયાના નિર્દેશો હતા.