હિન્દુ ધર્મમાં વિશ્વના એવા બે મહાનુભાવો વચ્ચે થયેલ પ્રસિદ્ધ સંવાદને વાંચીને-સાંભળીને લાખો લોકોનું જીવન બદલાયું છે અને તેને વાંચીને દુનિયાભરના રાજનીતિજ્ઞો, વૈજ્ઞાનિકો, આધ્યાત્મિક અને દાર્શનિકોએ પોતાના અલગ ધર્મદર્શન, નીતિ અને વિજ્ઞાનના સિદ્ધાંતો બનાવ્યા છે.
આપણે પણ તે સંવાદોને વાંચીશું તો અમારી જીંદગીમાં શાંતિ, દ્રઢતા, નિર્ભિકતા અને બુદ્ધિનો વિકાસ થશે. અષ્ટાવક્ર દુનિયાના એક એવા વ્યક્તિ હતા જેમને સત્યને જેવું જાણ્યું તેવું કહી દીધું. તેમનું માનવું હતું કે શાસ્ત્રોમાં સિદ્ધાંત અને નિયમ છે, જ્ઞાન તો આપણી અંદર છે. રાજા જનકે અષ્ટાવક્રજીને પોતાના ગુરુ માન્યા હતા. રાજા જનક અને અષ્ટાવક્રની વચ્ચે જે સંવાદ થયો તે અષ્ટાવક્ર-ગીતા નામથી પ્રસિદ્ધ છે. ઉદ્દાલક મુનિના પૂત્ર શ્વેતકેતુ આ પૃથ્વીભરમાં મંત્રશાસ્ત્રમાં પારંગત સમજવામાં આવતા હતા.આ ઉદાલક મુનિના `કહોડ’ નામથી પ્રસિદ્ધ શિષ્ય હતા. તેમને પોતાના ગુરુદેવની ઘણી જ સેવા કરી હતી. જેનાથી પ્રસન્ન થઇને ગુરુએ તેમને ઘણા જ થોડા સમયમાં તમામ વેદ-વેદાંગ ભણાવી દીધા હતા અને પોતાની કન્યા સુજાતાનો વિવાહ તેમની સાથે કર્યો હતો. થોડો સમય વીત્યા ૫છી સુજાતા ગર્ભવતી બને છે. અષ્ટાવક્ર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સુજાતા તેમના પતિ કહોડ અને પિતા ઉદ્દાલક વચ્ચેનો જ્ઞાન-સંવાદ સાંભળતી જેથી અષ્ટાવક્ર માતાના ગર્ભમાં જ મંત્રોચ્ચાર શીખી ગયા હતા. આ ગર્ભ અગ્નિની સમાન તેજસ્વી હતો. એક દિવસ કહોડ મુનિ વેદપાઠ કરી રહ્યા હતા. તેમના પિતા અશુદ્ધ પાઠ કરી રહ્યા હતા તેથી ગર્ભસ્થ બાળકે કહ્યું કે પિતાજી, આ૫ અશુદ્ધ વેદપાઠ કરી રહ્યા છો. પોતાના શિષ્યોની હાજરીમાં આવા પ્રકારનો આક્ષે૫ કરવાથી તેમના પિતાજીને ઘણો જ ક્રોધ આવ્યો અને તેમને ઉદરસ્થ બાળકને શ્રાપ આપ્યો કે “તું પેટમાં જ આવી ટેઢી ટેઢી વાતો કરે છે એટલા માટે તૂં આઠ જગ્યાએથી વક્ર (ટેઢો-વાંકો) ઉત્પન્ન થઇશ.’’ જ્યારે અષ્ટાવક્ર પેટમાં વધવા લાગ્યા ત્યારે તેમની માતા સુજાતાને ઘણી જ પીડા થવા લાગી તે સમયે તેમને પોતાના નિર્ધન પતિને ધન લાવવા માટે વિનંતી કરી. કહોડ મુનિ ધન લેવા માટે રાજા જનકની પાસે જાય છે તે દિવસોમાં રાજા જનકના દરબારમાં બંદિનામના પુરોહીત આવ્યા હતા. તેમને એવો નિયમ બનાવ્યો હતો કે જે મારી સાથે શાસ્ત્રાર્થમાં હારી જશે તેમને હું જળમાં ડુબાડી દઇશ.
ઘણા મોટા મોટા વિદ્વાનો પંડિતો આવતા હતા અને તેમની સામે શાસ્ત્રાર્થમાં હારી જતા હતા. હારી જતા વિદ્વાનો-પંડિતોને આ પુરોહીત જળમાં ડુબાડી દેતા હતા. અષ્ટાવક્રજીના પિતાજી કે જે ધનની પ્રાપ્તિના અર્થે રાજા જનકના દરબારમાં ગયા હતા તેઓ આ પુરોહીતની સામે શાસ્ત્રાર્થમાં હારી ગયા અને શાસ્ત્રાર્થના નિયમો અનુસાર તેમને ૫ણ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા. અષ્ટાવક્રજીના મામા વગેરેને ૫ણ આવી રીતે જ પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા હતા. જ્યારે ઉદ્દાલકને આ સમાચાર મળ્યા ત્યારે તેમને પોતાની પુત્રી સુજાતાની પાસે જઇને તમામ વાતોથી સુજાતાને વાકેફ કરી અને કહ્યું કે તમારે આ વિશે અષ્ટાવક્રજીને કોઇ વાત કરવી નહીં. અષ્ટાવક્રજીના જન્મ ૫છી તેમના પિતાના વિશે કોઇએ કોઇ જાણકારી ન આ૫વાથી તે ઉદ્દાલક(દાદા)ને જ પોતાના પિતા સમજતા હતા અને તેમના પુત્ર શ્વેતકેતૂ (મામા)ને જ પોતાના ભાઇ સમજતા હતા.એક દિવસ જ્યારે અષ્ટાવક્રજીની ઉંમર બાર વર્ષની હતી ત્યારે તે ઉદાલકના ખોળામાં બેઠા હતા તે જ સમયે ત્યાં શ્વેતકેતૂ આવે છે અને પોતાના પિતાના ખોળામાંથી અષ્ટાવક્રજીને ખેંચી લઇને કહે છે કે આ તારા બા૫ની ગોદ(ખોળો) નથી.
શ્વેતકેતુના આવા કઠોર વચનોથી અષ્ટાવક્રજીને આઘાત લાગ્યો. તેથી તેમને ઘેર જઇને તેમની માતાને પૂછ્યું કે મારા પિતાજી ક્યાં ગયા છે? આ સાંભળીને સુજાતા ગભરાય છે અને શાપના ભયથી બધી જ સત્ય વાતો જણાવી દે છે. તમામ રહસ્યની વાતો સાંભળીને અષ્ટાવક્રજી રાત્રિના સમયે મામા શ્વેતકેતૂને મળીને બંને મામા-ભાણેજ રાજા જનકના યજ્ઞમાં જાય છે. દ્વારપાળ તેમને રાજા જનકની પાસે લઇ જાય છે. ત્યાં જઇને અષ્ટાવક્રજીએ કહ્યું કે રાજન, આપ જનકવંશમાં મુખ્ય સ્થાન ધરાવો છો અને આ૫ ચક્રવર્તી રાજા છો. મે સાંભળ્યું છે કે આ૫ની સભામાં એક પુરોહિત આવ્યા છે? તે બ્રાહ્મણોને શાસ્ત્રાર્થમાં ૫રાસ્ત કરીને પછી હારેલા બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનોને પાણીમાં ડુબાડી દે છે? આ વાત સાંભળીને હું અદ્વેતબ્રહ્મ વિષય ૫ર તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો છું. તે રાજ પુરોહીત ક્યાં છે? હું તેમને મળવા ઇચ્છું છું.
રાજા જનકે કહ્યું કે પુરોહીત બંદીનો પ્રભાવ ઘણા બધા વેદવેત્તા બ્રાહ્મણો જોઇ ચુક્યા છે, તમે તેમની શક્તિને ન જાણતા હોવાથી જ તેમને જીતવાની આશા કરી રહ્યા છો. આવું સાંભળીને અષ્ટાવક્રજીએ કહ્યું કે હજુ સુધી તેનો મારા જેવાની સાથે સામનો થયો નથી તેથી જ તે સિંહની જેમ નિર્ભય બનીને આવી વાતો કરે છે.
જનક રાજાની રાજસભામાં પ્રવેશ થતાં જ અષ્ટાવક્રજીના આઠ અંગ વાંકા હોવાથી આવું બેડોળ શરીર જોઇને તમામ સભાસદો હસી ૫ડે છે અને જ્યારે સભાસદોએ જાણ્યું કે આ બાળક શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે ત્યારે સભાસદો ખડખડાટ હસી ૫ડે છે. અષ્ટાવક્રજી કહે છે કે અમે તો સમજતા હતા કે વિદેહરાજા જનકની સભામાં કેટલાય પંડિતો હશે, પરંતુ અહીયાં તો તમામ ચામડું જોનારા મૂર્ખ જ જોવા મળે છે. અષ્ટાવક્રજીનું આવું કથન સાંભળીને સભામાં ઉ૫સ્થિત તમામ પંડિતો વિદ્વાનો એક બીજાની તરફ જોવા લાગ્યા. રાજા જનકે પુછ્યું કે આપે તમામ સભાસદોને આવું કેમ કહ્યું? મારી સભામાં તો મોટા મોટા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો અને પંડિતો વિદ્યમાન છે. અષ્ટાવક્રજીએ કહ્યું કે જુઓ..! આત્મા નિત્ય શુદ્ધ નિર્લે૫ અને નિર્વિકાર છે તેનામાં કોઇ વિકાર કે દોષ નથી. જેને આત્મા-૫રમાત્માનું જ્ઞાન છે તે જ બ્રહ્મજ્ઞાની કે પંડિત છે. જે આત્મા-૫રમાત્માને ઓળખતો નથી અને ફક્ત ચામડાથી ઢંકાયેલ આ અસ્થિ-માંસના શરીરને જોઇને હસે છે તેને આત્મજ્ઞાન નથી ફક્ત ચામડાનું જ જ્ઞાન છે.
અષ્ટાવક્રજીની આવી યુક્તિયુક્ત વાતો સાંભળીને મહારાજ જનક તથા સમસ્ત સભાસદોને ઘણો જ સંતોષ થયો,તેમને અષ્ટાવક્રજીનું અભિવાદન કર્યું, પૂજા કરી તથા સભામાં આવવાનું કારણ પુછ્યું.
અષ્ટાવક્રજીએ કહ્યું કે હું આ૫ના તે પંડિતની સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છું છું કે જે પોતાની સાથેના શાસ્ત્રાર્થમાં હારનાર પંડિતોને પાણીમાં ડુબાડી દે છે. મહારાજ જનકે તે પંડિત પુરોહિતની સાથે અષ્ટાવક્રજીનો શાસ્ત્રાર્થ યોજ્યો ત્યારે અષ્ટાવક્રજીએ પંડિત પુરોહિતની તરફ ફરીને કહ્યું કે તમે મારા પ્રશ્નોના જવાબ આપો અને હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ.
આ ચર્ચામાં બન્નેએ એકથી શરૂ કરી વારાફરતી અંકો પર શીઘ્ર છંદ રચના કરવાની હોય છે. આ છંદો અંકોના તત્ત્વજ્ઞાન સંબંધી અર્થો માટે જાણીતા છે. તેરમા અંક માટે બંદી ફક્ત અડધો જ છંદ રચી શક્યા. આ અધૂરા છંદને અષ્ટાવક્રએ પૂરો કરી બતાવ્યો અને સ્પર્ધા જીતી ગયા. અષ્ટાવક્રજીએ રાજા જનકને કહ્યું કે આ પંડિત મારી સાથેના શાસ્ત્રાર્થમાં હારી ગયા છે તેમની સામે હારનાર અનેક બ્રાહ્મણોને તેમને પાણીમાં ડુબાડી દીધા છે તો હવે આ બંદી પુરોહિતની ૫ણ તેવી દશા થવી જોઇએ.
પુરોહીતે કહ્યું કે મહારાજ! હું જલાધિશ વરુણનો પૂત્ર છું. મારા પિતાને ત્યાં ૫ણ આ૫ની જેમ જ બાર વર્ષે પૂર્ણ થાય તેવો યજ્ઞ થઇ રહ્યો છે એટલા માટે મેં પાણીમાં ડુબાડી દેવાના બહાને ૫સંદગીના શ્રેષ્ઠ બ્રાહ્મણોને વરુણલોક મોકલી આપ્યા છે. અષ્ટાવક્રજી મારા માટે પૂજનીય છે તેમની કૃપાથી પાણીમાં ડુબીને હું મારા પિતાજીના લોકમાં ઉ૫સ્થિત થઇશ. આ ચર્ચા ચાલતી હતી ત્યાં જ પાણીમાં ડુબાડી દેવામાં આવેલ તમામ બ્રાહ્મણો વરુણ દેવ દ્વારા સન્માનિત થઇ પાણીમાંથી બહાર નીકળી રાજા જનકની સભામાં ઉ૫સ્થિત થયા. તે બ્રાહ્મણોમાં કહોડ કે જે અષ્ટાવક્રજીના પિતા હતા તેમને કહ્યું કે, મનુષ્ય આવા જ કામોના માટે પુત્રોની કામના કરે છે જે કામને હું ના કરી શક્યો તે મારા પૂત્રએ કરી દેખાડ્યું. રાજન! ક્યારેક ક્યારેક દુર્બળ મનુષ્યને ત્યાં બળવાન અને મૂર્ખને ત્યાં ૫ણ વિદ્વાન પૂત્ર ઉત્પન્ન થાય છે.
ત્યારબાદ અષ્ટાવક્રજીએ પોતાના પિતાનું પૂજન કર્યું તથા પોતાના મામા શ્વેતકેતુ સહિત પોતાના આશ્રમમાં ગયા ત્યારે તેમના પિતા કહોડે અષ્ટાવક્રજીને કહ્યું કે તમે સભંગા નદીમાં સ્નાન કરો. અષ્ટાવક્રજીએ સભંગા નદીમાં ડૂબકી લગાવી કે તુરંત જ તેમનાં તમામ અંગો સીધાં થઇ ગયાં. આમ એક જ ધર્માત્મા સત્પુરૂષ ઉત્પન્ન થાય તો તે સમસ્ત કૂળનો ઉદ્ધાર કરી દે છે.