- DeepFake હટાવવા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મોકલાઈ નોટિસ
- સરકાર ટુંક સમયમાં કંપનીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે: અશ્વિની વૈષ્ણવ
- એક્ટ્રેસ રશ્મિકા મંદના અને પીએમ મોદીના DeepFake બાદ મચ્યો હોબાળો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં DeepFake પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ મામલે નોટિસ મોકલી દેવામાં આવી છે અને તમને મોટા પગલાં લેવા માટે નિર્દેશ કરી દેવામાં આવ્યા છે. આમ નહિ કરવામાં આવે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સરકાર DeepFake મુદ્દે ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે ચર્ચા કરશે. જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ DeepFake ને હટાવવા માટે પૂરતા પગલાં નહિ લે તો તેમને મળનાર સંરક્ષણ લાગુ નહિ થાય.
વિડીયોમાં કોઈ શખ્સન ચહેરા અથવા શરીરને ડિજિટલ રૂપથી બદલી દેવાની રીતને DeepFake કહે છે. મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલ આ વિડીયો કોઈને પણ સરળતાથી છેતરી શકે છે. વૈષ્ણવે પત્રકારોને કહ્યું કે સરકારે તાજેતરમાં DeepFake મુદ્દે કંપનીઓને નોટિસ ફટકારી તેમને જવાબ આપવા નિર્દેશ કર્યો છે. અને કંપનીઓએ જવાબ પણ આપ્યો છે.
તેમણે કહ્યું કે કંપનીઓએ આવી સામગ્રી સામે પગલાં લેવા માટે વધુ આક્રમક બનવું પડશે. વૈષ્ણવે પત્રકારોને કહ્યું, “તેઓ પગલાં લઈ રહ્યા છે… પરંતુ અમને લાગે છે કે હજુ કડક પગલાં ભરવાની જરૂર છે… અને અમે ખૂબ જ ટૂંક સમયમાં… કદાચ આગામી 3-4 દિવસમાં તમામ ફોરમની સાથે બેઠક યોજવાના છીએ…”
અમે તેમને આ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે બોલાવીશું અને ખાતરી કરીશું કે પ્લેટફોર્મ DeepFake રોકવા માટે પૂરતું કરે અને તેમની સિસ્ટમ સાફ કરે છે. વધુમાં, જ્યારે અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે શું મેટા અને ગૂગલ જેવા મોટા પ્લેટફોર્મને મીટિંગ માટે બોલાવવામાં આવશે, તો મંત્રીએ સકારાત્મક જવાબ આપ્યો હતો.