એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે બીસીસીઆઈએ મોટો નિર્ણય લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એવા સમાચાર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને તેમણે હાલ માટે આ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના નિર્ણય મુજબ, ટીમ ઈન્ડિયા નજીકના ભવિષ્યમાં એશિયા કપમાં ભાગ લેશે નહીં. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને પણ પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે.
BCCI એશિયા કપમાંથી કેમ ખસી ગયુ?
એક ખાનગી મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર બીસીસીઆઈ આવતા મહિને શ્રીલંકામાં યોજાનાર મહિલા ઇમર્જિંગ એશિયા કપનો પણ બહિષ્કાર કરશે. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં યોજાનાર મેન્સ એશિયા કપમાંથી ચોક્કસપણે બહાર થઈ જશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) હાલમાં પાકિસ્તાની મંત્રી મોહસીન નકવીના નેતૃત્વમાં છે, જે PCBના અધ્યક્ષ પણ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા મહિને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.
BCCIનો મહત્વનો નિર્ણય
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય ટીમ ACC દ્વારા આયોજિત અને પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળની ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં.. આ દેશની લાગણી છે. અમે આગામી મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાંથી અમારા ખસી જવા અંગે ACC ને મૌખિક રીતે જાણ કરી દીધી છે અને તેમની ભવિષ્યની સ્પર્ધાઓમાં અમારી ભાગીદારી પણ મુલતવી રાખવામાં આવી છે. અમે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.
BCCIના નિર્ણયને કારણે પુરુષોનો એશિયા કપ ખતરામાં
બીસીસીઆઈના નિર્ણયને કારણે, સપ્ટેમ્બરમાં યોજાનારા મેન્સ એશિયા કપ પર પણ સસ્પેન્સની તલવાર લટકી ગઈ છે. સૂત્રોના હવાલાથ મળતી માહિતી મુજબ ટીમ ઈન્ડિયા વિના, પુરુષોનો એશિયા કપ અર્થહીન રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘણા પ્રાયોજકો ભારતના છે. એટલું જ નહીં, જ્યારે ભારત ત્યાં નહીં હોય, ત્યારે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ પણ બતાવવામાં આવશે નહીં, જે ફક્ત આવકનો સ્ત્રોત જ નહીં પણ બ્રોડકાસ્ટર્સ માટે એક હાઇ વોલ્ટેજ ડ્રામા પણ છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પુરુષ ક્રિકેટ એશિયા કપમાં રમે છે.